욥기 20장 구자라트 IRV
- 1 ત્યારે સોફાર નાઅમાથીએ પ્રત્યુત્તર આપ્યો અને કહ્યું,
- 2 “મારા વિચારો મને ઉત્તર આપવાને સૂચવે છે. ચિંતાને લીધે હું અધીરો બની ગયો છું.
- 3 મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો છે, અને મારી પ્રેરકબુદ્ધિ મને ઉત્તર આપે છે.
- 4 શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી,
- 5 દુષ્ટ લોકોની કીર્તિ ક્ષણભંગુર છે, તથા અધર્મીઓનો આનંદ ક્ષણિક છે?
- 6 તેનો યશ આકાશ સુધી પહોંચે, અને તેનું મસ્તક આભ સુધી પહોંચે,
- 7 તોપણ તે પોતાની જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે. જેમણે એને જોયો છે તેઓ પૂછે છે, ‘તે ક્યાં છે?’
- 8 સ્વપ્નની જેમ તે ઊડી જશે અને તેનો પત્તો લાગશે નહિ; રાત્રિના સંદર્શનની જેમ તે અદ્રશ્ય થઈ જશે.
- 9 જેણે તેને જોયો છે તે તને ફરી કદી જોઈ શકશે નહિ. તેનું સ્થળ તેને ક્યારેય જોવા પામશે નહિ.
- 10 તેનાં સંતાનો ગરીબોની મહેરબાની શોધશે, અને તેના હાથો તેનું ધન પાછું આપશે.
- 11 તેનામાં યુવાનીનું જોર છે. પણ તે તેની સાથે ધૂળમાં મળી જશે.
- 12 જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે. જો કે તે તેને પોતાની જીભ નીચે છુપાવી રાખે છે.
- 13 જો કે તે તેને પાછી રાખીને જવા ન દે, પણ પોતાના મોમાં જ રાખી મૂકે છે.
- 14 પરંતુ ખોરાક તેના પેટમાં કડવો થઈ ગયો છે; તે તેની અંદર સાપના ઝેર સમાન થઈ ગયો છે.
- 15 તે જે ધનસંપતિ ગળી ગયો છે તે તેણે ઓકી નાખવી પડશે; ઈશ્વર તેના પેટમાંથી તેને ઓકી કઢાવશે.
- 16 તે સર્પનું ઝેર ચૂસશે; નાગનો ડંખ તેને મારી નાખશે.
- 17 તે નદીઓ, માખણ તથા મધની વહેતી ધારાઓ જોવા પામશે નહિ.
- 18 જેને માટે તેણે મહેનત કરી હશે; તે તેને પાછું આપવું પડશે; અને તે તેને ભોગવવા પામશે નહિ; તે જે ધનસંપત્તિ કમાયો હશે તેથી તેને આનંદ થશે નહિ.
- 19 કેમ કે તેણે ગરીબો પર જુલમ કર્યો છે, તથા તેઓને તરછોડ્યા છે, તેણે જે ઘર બાંધ્યું નહોતું તે તેણે જુલમથી લઈ લીધું છે.
- 20 તેના મનમાં કંઈ શાંતિ નહોતી, માટે જેમાં તે આનંદ માને છે તેમાંનું તે કંઈ પણ બચાવી શકશે નહિ.
- 21 તેણે ખાઈ જવામાં કંઈ બાકી રાખ્યું નથી; તેની સફળતા ટકશે નહીં.
- 22 તેની સંપત્તિ પુષ્કળ હોવા છતાં તે તંગીમાં આવી પડશે, દરેક દુઃખી જનનો હાથ તેની વિરુદ્ધ થશે.
- 23 જ્યારે તેનું પેટ ભરવાની તૈયારીમાં હશે એટલામાં, ઈશ્વરનો ક્રોધ તેના પર ઊતરશે; તે ખાતો હશે એટલામાં તેના પર તે કોપ વરસાવશે.
- 24 જો કે લોઢાના શસ્ત્રથી તે ભાગશે, તો પિત્તળનું બાણ એને વીંધી નાખશે.
- 25 તેના પેટમાંથી બાણ આરપાર નીકળી જશે; અને પીઠમાંથી ભોંકાઈને બહાર આવશે; તેની ચળકતી ધાર તેના પિત્તાશયને વીંધી નાખશે. તેના પર ભય આવી પડશે.
- 26 તેના ખજાનાની જગ્યાએ કેવળ અંધકાર તેને માટે રાખી મૂક્યો છે. પ્રચંડ અગ્નિ કે જેને કોઈ માનવે સળગાવ્યો નથી તે તેને ભસ્મીભૂત કરી નાખશે.
- 27 આકાશ તેનો અન્યાય પ્રગટ કરશે, પૃથ્વી તેની વિરુદ્ધ સાક્ષી પૂરશે.
- 28 તેના ઘરની સંપત્તિ નાશ પામશે, તે ઈશ્વરના કોપને દિવસે વહી જશે.
- 29 દુષ્ટ લોકોને ઈશ્વર તરફથી મળેલો હિસ્સો, તથા ઈશ્વરે તને ઠરાવી આપેલું વતન આ જ છે.”