욥기 22장 구자라트 IRV
- 1 ત્યારે અલિફાઝ તેમાનીએ જવાબ આપતાં કહ્યું કે,
- 2 “શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? શું ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ સાચું છે?
- 3 તું ન્યાયી હોય તોપણ સર્વશક્તિમાનને શો આનંદ થાય? તું તારા રસ્તા સીધા રાખે તેમાં તેમને શો ફાયદો?
- 4 શું તે તારાથી ડરે છે કે તે તને ઠપકો આપે છે અને તે તને તેમના ન્યાયાસન આગળ ઊભો કરે છે?
- 5 શું તારી દુષ્ટતા ઘણી નથી? તારા અન્યાય તો પાર વિનાના છે.
- 6 કેમ કે તેં તારા ભાઈની થાપણ મફતમાં લીધી છે; અને તારા દેણદારોનાં વસ્ત્રો કાઢી લઈને તેઓને નિર્વસ્ત્ર કરી દીધા છે.
- 7 તમે થાકેલાને પીવાને પાણી આપ્યું નથી; તમે ભૂખ્યાને રોટલી આપી નથી,
- 8 જો કે શક્તિશાળી માણસ તો ભૂમિનો માલિક હતો. અને સન્માનિત પુરુષ તેમાં વસતો હતો.
- 9 તેં વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે; અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે.
- 10 તેથી તારી ચારેતરફ ફાંસલો છે, અને અણધારી આફત તને ડરાવી મૂકે છે;
- 11 જેને તું જોઈ શકતો નથી, એવો અંધકાર તને ગભરાવે છે, અને પૂરનાં પાણીએ તને ઢાંકી દીધો છે.
- 12 શું ઈશ્વર આકાશના ઉચ્ચસ્થાનમાં નથી? તારાઓની ઊંચાઈ જો, તેઓ કેટલા ઊંચા છે?
- 13 તું કહે છે, ઈશ્વર શું જાણે છે? શું તે ઘોર અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે?
- 14 ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે જોઈ શકતો નથી; અને આકાશના ઘુંમટ પર તે ચાલે છે.’
- 15 જે પ્રાચીન માર્ગ પર દુષ્ટ લોકો ચાલ્યા હતા, તેને શું તું વળગી રહીશ?
- 16 તેઓનો સમય પૂરો થયા અગાઉ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા, તેઓનો પાયો રેલમાં તણાઈ ગયો હતો.
- 17 તેઓ ઈશ્વરને કહેતા હતા કે, ‘અમારાથી દૂર ચાલ્યા જાઓ;’ તેઓ કહેતા કે, સર્વશક્તિમાન અમને શું કરી શકવાના છે?’
- 18 તેમ છતાં પણ ઈશ્વરે તેઓનાં ઘર સારી વસ્તુઓથી ભર્યાં; પણ દુષ્ટ લોકોના વિચાર મારાથી દૂર છે.
- 19 ન્યાયીઓ તેમને જોઈને ખુશ થાય છે; અને નિર્દોષ તુચ્છકાર સહિત તેમના પર હસશે.
- 20 તેઓ કહે છે, અમારી સામે ઊઠનારા નિશ્ચે કપાઈ ગયા છે; અને તેઓમાંથી બચેલાને અગ્નિએ ભસ્મ કર્યા છે.’
- 21 હવે ઈશ્વરની સાથે સુલેહ કર અને શાંતિમાં રહે; જેથી તારું ભલું થશે.
- 22 કૃપા કરીને તેમના મુખથી બોધ સાંભળ અને તેમની વાણી તારા હૃદયમાં સંઘરી રાખ.
- 23 જો તું સર્વશક્તિમાન ઈશ્વરની પાસે પાછો વળે તો તું સ્થિર થશે, અને જો તું તારા તંબુમાંથી અન્યાય દૂર કરશે તો તું સ્થિર થશે.
- 24 જો તું તારું ધન ધૂળમાં ફેંકી દે, અને ઓફીરનું સોનું નાળાંના પાણીમાં ફેંકી દે.
- 25 તો સર્વશક્તિમાન તારો ખજાનો થશે, અને તને મૂલ્યવાન ચાંદી પ્રાપ્ત થશે.
- 26 તું સર્વશક્તિમાન ઈશ્વરમાં આનંદ માનશે; અને તું ઈશ્વર તરફ તારું મુખ ઊંચું કરશે.
- 27 તું તેમને પ્રાર્થના કરશે, એટલે તે તારું સાંભળશે; અને પછી તું તારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ.
- 28 વળી તું કોઈ બાબત વિષે ઠરાવ કરશે તો તે સફળ થશે; તારા માર્ગમાં પ્રકાશ પડશે.
- 29 ઈશ્વર અભિમાનીને પાડે છે, અને નમ્રને તેઓ બચાવે છે.
- 30 જેઓ નિર્દોષ નથી તેઓને પણ તેઓ ઉગારે છે, તારા હાથની શુદ્ધતાને લીધે તેઓ તને ઉગારશે.”