욥기 23장 구자라트 IRV
- 1 ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,
- 2 “આજે પણ મારી ફરિયાદ કડવી છે; મારાં દુઃખો કરતાં મારો ઘા ભારે છે.
- 3 અરે, મને તે ક્યાં જડે તે હું જાણતો હોત તો કેવું સારું! અરે, તો હું તેમને આસને જઈ પહોંચત!
- 4 હું મારી દલીલો તેમની આગળ અનુક્રમે રજૂ કરત અને મારું મોઢું દલીલોથી ભરત.
- 5 મારે જાણવું છે ઈશ્વર મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે. અને તે મને જે કહેત તે હું સમજત.
- 6 શું તે તેમની શક્તિનો મારી સામે ઊપયોગ કરશે? ના, હું જે કહું તે જરૂર તેમના લક્ષમાં લેત.
- 7 ત્યાં એક પ્રામાણિક માણસ તેમની સાથે વાદવિવાદ કરી શકે છે. પછી હું સદાને માટે મારા ન્યાયાધીશથી મુકત થાત.
- 8 જુઓ, હું પૂર્વમાં જાઉં છું, પણ તે ત્યાં નથી. હું પશ્ચિમમાં જોઉં છું, પણ હું તેમને જોઈ શકતો નથી.
- 9 ડાબે હાથે તે કામ કરે છે ત્યારે હું તેમને નિહાળી શકતો નથી. જમણે હાથે તે એવા ગુપ્ત રહે છે કે હું તેમને જોઈ શકતો નથી.
- 10 પણ ઈશ્વર મારી ચાલચલગત જાણે છે; મારી પરીક્ષા તે કરશે ત્યારે હું સોના જેવો નીકળીશ.
- 11 મારા પગ તેમના પગલાને વળગી રહ્યા છે; મેં તેમનો માર્ગ પકડી રાખ્યો છે હું આમતેમ ભટકી ગયો નથી.
- 12 તેમના હોઠોની આજ્ઞાઓથી હું પાછો હઠ્યો નથી; મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે.
- 13 પરંતુ ઈશ્વર બદલાતા નથી; કોણ તેમને બદલી શકે? તેમનો આત્મા જે ઇચ્છે તે જ તે કરે છે.
- 14 તેમણે મારે માટે જે નિર્માણ કર્યું છે તે પ્રમાણે જ તે કરશે. અને એવાં ઘણાં કામ તેમના હાથમાં રહેલાં છે.
- 15 માટે હું તેમની આગળ ગભરાઈ જાઉં છું. જ્યારે હું આ બાબતો વિષે વિચાર કરું છું ત્યારે મને તેમનો ડર લાગે છે.
- 16 ઈશ્વરે મારું હૃદયભંગ કર્યું છે; અને સર્વશક્તિમાન ઈશ્વરે મને ગભરાવ્યો છે.
- 17 કેમ કે અંધકાર મારા પર આવ્યાને લીધે, ઘોર અંધકારે મારું મોં ઢાંકી દીધું.