욥기 27장 구자라트 IRV
- 1 અયૂબે પોતાના દ્દ્રષ્ટાંતના વધારામાં કહ્યું કે,
- 2 “ઈશ્વરના સોગન ખાઈને કહું છું કે, તેમણે મારો હક ડુબાવ્યો છે, સર્વશક્તિમાન ઈશ્વરે મારા આત્માને સતાવ્યો છે,
- 3 જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી, ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે,
- 4 નિશ્ચે મારા હોઠ અન્યાયની વાત નહિ કરે; મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.
- 5 હું તમને ન્યાયી ઠરાવું એમ ઈશ્વર ન થવા દો; હું મૃત્યુ પામું, ત્યાં સુધી મારી નિર્દોષતા જાહેર કર્યા કરીશ.
- 6 હું મારી નિર્દોષતાને વળગી રહીશ; હું તેને કદી છોડીશ નહિ મારા આયુષ્યના કોઈ પણ પ્રસંગ વિષે મારું મન મને ડંખતું નથી.
- 7 મારા શત્રુને દુષ્ટની જેમ; મારી વિરુદ્ધ ઊઠનારને અન્યાયીની જેમ થાઓ.
- 8 જો અધર્મી નફો મેળવે તોપણ ઈશ્વર તેનો જીવ લઈ લે છે, તો પછી તેને શી આશા રહે?
- 9 જયારે તેના પર દુ:ખ આવી પડશે ત્યારે શું ઈશ્વર તેનો પોકાર સાંભળશે?
- 10 શું તે સર્વશક્તિમાન ઈશ્વરથી આનંદ માનશે. અને સર્વ પ્રસંગે ઈશ્વરને વિનંતી કર્યા કરશે?
- 11 ઈશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ. સર્વશક્તિમાનની યોજના હું છુપાવીશ નહિ.
- 12 જુઓ, તમે તમારી પોતાની આંખોથી તે જોયું છે; છતાં મારી સાથે તમે શા માટે વ્યર્થ વાતો કરો છો?
- 13 ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો, તથા સર્વશક્તિમાન પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે
- 14 જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તલવારથી હત્યા થવા માટે છે. અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે.
- 15 તેમાંથી જેઓ બચી જશે તેઓ રોગ અને મૃત્યુનો ભોગ બનશે. અને તેઓની વિધવા શોક કરશે નહિ.
- 16 જો કે દુષ્ટ માણસ ધૂળની જેમ રૂપાના ઢગલેઢગલા એકત્ર કરે, અને કાદવની જેમ પુષ્કળ વસ્ત્ર બનાવી દે,
- 17 તો તે ભલે બનાવે, પરંતુ ન્યાયીઓ તે વસ્ત્રો પહેરશે, અને નિર્દોષ લોકો તે ચાંદી માંહોમાંહે વહેંચી લેશે.
- 18 કરોળિયાનાં જાળાં જેવા અને ચોકીદારે બાંધેલા છાપરાની જેમ, તે પોતાનું ઘર બાંધે છે.
- 19 તે આરામથી પોતાની પથારીમાં સૂઈ જાય છે, પણ તેને આરામ મળશે નહિ; પણ જ્યારે તે પોતાની આંખ ખોલે છે ત્યારે સઘળું તેની સમક્ષથી જતું રહે છે.
- 20 રેલની જેમ ત્રાસ તેને પકડી પાડે છે; રાત્રે તોફાન તેને ચોરીને લઈ જાય છે.
- 21 પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઈ જાય છે, એટલે તે લોપ થાય છે; તે તેને તેની જગાએથી બહાર ખેંચી જાય છે.
- 22 કેમ કે તે વાયુ તેનાં તરફ બાણ ફેંકશે અને દયા રાખશે નહિ; તે તેમના હાથમાંથી નાસી જવા માટે વ્યર્થ પ્રયત્ન કરે છે.
- 23 તેના હાથો તાળી પાડીને તેની સામે ઠેકડી ઉડાવશે; તેની જગ્યાએથી તેનો ફિટકાર કરશે.