욥기 29장 구자라트 IRV
- 1 અયૂબે પોતાના દ્ષ્ટાંતના વધારામાં કહ્યું કે,
- 2 “અરે, જો આગળના વખતમાં હું હતો તેવો, અને જે વખતે ઈશ્વર મારું ધ્યાન રાખતા હતા તેવો હું હમણાં હોત તો કેવું સારું!
- 3 ત્યારે તેમનો દીવો મારા પર ઝળહળતો હતો અને તેમના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો.
- 4 જેવો હું મારી જુવાનીમાં હતો તેવો હું હોત તો કેવું સારું! ત્યારે તો મારા તંબુ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી,
- 5 તે વખતે સર્વશક્તિમાન ઈશ્વર મારી સાથે હતા અને મારાં સંતાનો મારી આસપાસ હતાં.
- 6 તે વખતે મારા પગ માખણથી ધોવાતા હતા, અને ખડકો મારે સારુ તેલની નદીઓ વહેવડાવતા હતા!
- 7 ત્યારે તો હું નગરના દરવાજે જતો હતો, ત્યારે જાહેર સભાના સ્થળમાં હું મારું આસન તૈયાર કરાવતો હતો.
- 8 યુવાનો મને જોઈને સન્માન ખાતર ખસી જતા, અને વૃદ્ધો ઊભા થઈને મને માન આપતા હતા.
- 9 સરદારો પણ મને જોઈને બોલવાનું બંધ કરી દેતા અને મોં પર તેઓના હાથ મૂકતા.
- 10 અધિકારીઓ બોલતા બંધ થઈ જતા, તેઓની જીભ તેઓના તાળવે ચોંટી જતી.
- 11 કેમ કે લોકો મારું સાંભળતા અને તેઓ મને ધન્યવાદ આપતા. અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા
- 12 કેમ કે રડતાં ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથો જેને મદદ કરનાર કોઈ ન હોય તેઓને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો,
- 13 જેઓ નાશ પામવાની અણી પર હતા તેઓ મને આશીર્વાદ આપતા; વિધવાઓના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવડાવતો.
- 14 મેં ન્યાયીપણાંને ધારણ કર્યું અને તેણે મને ધારણ કર્યો, મારો ન્યાય મારા માટે જામા તથા પાઘડી સમાન હતો.
- 15 હું અંધજનોની આંખ સમાન હતો; હું અપંગ માટે પગ સમાન હતો.
- 16 ગરીબો સાથે હું તેઓના પિતાની જેમ વર્તતો. જેઓને હું જાણતો ન હતો તેઓની અગત્ય જાણીને હું તેમને મદદ કરતો.
- 17 હું દુષ્ટ લોકોના જડબાં તોડી નાખતો; હું તેઓના હાથમાંથી શિકાર ઝૂંટવી લેતો.
- 18 ત્યારે હું કહેતો કે, હું મારા પરિવાર સાથે મરણ પામીશ. મારા દિવસો રેતીની જેમ અસંખ્ય થશે.
- 19 મારાં મૂળિયાં પાણી સુધી ફેલાયાં છે અને મારી ડાળીઓ ઝાકળથી ભીની થઈ છે.
- 20 મારું ગૌરવ મારામાં તાજું છે. અને મારું ધનુષ્ય મારા હાથમાં નવું થતું જાય છે.
- 21 લોકો મારા બોધને ધ્યાનથી સાંભળતા હતા, તેઓ શાંતિ પૂર્વક મારી સલાહની રાહ જોતા હતા.
- 22 મારા બોલી રહ્યા પછી કોઈ દલીલ કરતા ન હતા. કેમ કે મારી સલાહ વરસાદની જેમ ટપક્યા કરતી.
- 23 તેઓ વરસાદની જેમ મારી રાહ જોતા હતા; અને પાછલા વરસાદને માટે માણસ મુખ ખોલે તેમ તેઓ મારા માટે આતુર રહેતા.
- 24 જયારે તેઓ ઉદાસ થઈ ગયા હોય ત્યારે હું તેમની સામે સ્મિત આપતો; મારા આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહિ.
- 25 હતાશ થયેલા માણસને દિલાસો આપનાર તરીકે હું તેઓનો માર્ગ પસંદ કરતો; હું સરદાર તરીકે બિરાજતો, અને સૈન્યમાં રાજાની જેમ રહેતો.