욥기 31장 구자라트 IRV
- 1 “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; તો હું કેવી રીતે કોઈ કુમારિકા પર વાસનાભરી નજર કરી શકું?”
- 2 માટે ઉપરથી ઈશ્વર તરફથી શો હિસ્સો પ્રાપ્ત થાય, ઉચ્ચસ્થાનથી સર્વશક્તિમાન ઈશ્વર પાસેથી વારસો મળે?
- 3 હું વિચારતો હતો કે, વિપત્તિ અન્યાયીઓને માટે હોય છે, અને દુષ્ટતા કરનારાઓને માટે વિનાશ હોય છે.
- 4 શું ઈશ્વર મારું વર્તન જોતા નથી અને મારાં બધાં પગલાં ગણતા નથી?
- 5 જો મેં કપટભરેલાં આચરણ કર્યાં હોય, અને જો મારા પગે કોઈને છેતરવા માટે ઉતાવળ કરી હોય,
- 6 તો મને ત્રાજવાનાં માપથી માપવામાં આવે કે જેથી ઈશ્વર જાણે કે હું નિર્દોષ છું.
- 7 જો હું સત્યના માર્ગથી પાછો ફર્યો હોઉં, જો મારું હૃદય મારી આંખોની લાલસા પાછળ ચાલ્યું હોય, અથવા તો જો મારા હાથે કોઈની વસ્તુ આંચકી લીધી હોય,
- 8 તો મારું વાવેલું અનાજ અન્ય લોકો ખાય; ખરેખર, ખેતરમાંથી મારી વાવણી ઉખેડી નાખવામાં આવે.
- 9 જો મારું હૃદય પરસ્ત્રી પર લોભાયું હોય, જો હું મારા પડોશીના દરવાજાએ લાગ જોઈને સંતાઈ રહ્યો હોઉં,
- 10 તો પછી મારી પત્ની અન્ય પુરુષને માટે રસોઈ કરે, અને તે અન્ય પુરુષની થઈ જાય.
- 11 કારણ કે તે ભયંકર અપરાધ કહેવાય; ખરેખર, તે અપરાધ તો ન્યાયાધીશો દ્વારા અસહ્ય શિક્ષાને પાત્ર છે.
- 12 તે તો એક અગ્નિ છે જે તમામ વસ્તુઓને સળગાવી નાખે છે. અને મેં જે કંઈ વાવ્યું છે તે સર્વ બાળી શકે છે.
- 13 જો મેં મારા દાસ અને દાસીઓના ન્યાય માટેની વિનંતીઓની અવગણના કરી હોય, મારે તેઓની સાથે તકરાર થઈ હોય,
- 14 તો જ્યારે ઈશ્વર મારી સમક્ષ આવીને ઊભા રહેશે ત્યારે હું શું કરીશ? જ્યારે તે મારો ન્યાય કરવા આવશે, તો હું કેવી રીતે જવાબ આપીશ?
- 15 કારણ કે, જે ઈશ્વરે મારું સર્જન કર્યું છે તેમણે જ તેઓનું પણ સર્જન કર્યું નથી? શું તે જ ઈશ્વર સર્વને માતાઓના ગર્ભમાં આકાર આપતા નથી?
- 16 જો મેં ગરીબોને તેઓની ઇચ્છા પ્રમાણે આપ્યું ન હોય, અથવા જો મેં વિધવાઓને રડાવી હોય,
- 17 અને જો મેં મારું ભોજન એકલાએ જ ખાધું હોય અને અનાથોને જમવાને આપ્યું ન હોય
- 18 પરંતુ તેનાથી ઊલટું, મેં મારી તરુણાવસ્થાથી જ તેઓના પિતાની જેમ તેઓની સંભાળ લીધી છે, અને મેં વિધવાઓને પહેલેથી જ માર્ગદર્શન આપ્યું છે.
- 19 જો મેં કોઈને પહેરણ વિના નાશ પામતા જોયો હોય, અથવા તો ગરીબ માણસને વસ્ત્રો વિનાનો જોયો હોય;
- 20 જો તેણે મારી પ્રશંસા ન કરી હોય, કારણ કે તેને હૂંફાળા રહેવા માટે મારાં ઘેટાંઓનું ઊન મળ્યું નહિ હોય,
- 21 જો શહેરના દરવાજાઓમાં બેઠેલાઓને મારા પક્ષના જાણીને અને અનાથો પર મારો હાથ ઉઠાવ્યો હોય,
- 22 તો મારો હાથ ખભામાંથી ખરી પડો, અને મારા ખભાને તેના જોડાણમાંથી ભાંગી નાખવામાં આવે.
- 23 પણ ઈશ્વર તરફથી આવતી વિપત્તિ મારા માટે ભયંકર છે; કેમ કે તેમની ભવ્યતાને લીધે, હું આમાંની એકપણ બાબત કરી શકું તેમ નથી.
- 24 જો મેં મારી ધનસંપત્તિ પર આશા રાખી હોય, અને જો મેં કહ્યું હોય કે, શુદ્ધ સોનું, ‘તુ જ મારી એકમાત્ર આશા છે’;
- 25 મારી સંપત્તિને લીધે જો હું અભિમાની થયો હોઉં, કારણ કે મારા હાથે ઘણી સંપત્તિ પ્રાપ્ત કરી છે;
- 26 જો મેં પ્રકાશતા સૂર્યને જોયો હોય, અથવા તેજસ્વી ચંદ્રને જોયો હોય,
- 27 અને જો મારું હૃદય છૂપી રીતે લોભાયું હોય અને તેથી મારા મુખે તેની ઉપાસના કરતા હાથને ચુંબન કર્યું હોય,
- 28 તો આ પણ એક અપરાધ છે જે ન્યાયાધીશ મારફતે શિક્ષાને પાત્ર છે, જો મેં ઉચ્ચસ્થાને બિરાજનાર ઈશ્વરનો ઇનકાર કર્યો હોય.
- 29 જો મેં મને ધિક્કારનારાઓના વિનાશ પર આનંદ કર્યો હોય અથવા જ્યારે નુકસાન થયું હોય ત્યારે મેં પોતાને અભિનંદન પાઠવ્યાં હોય,
- 30 તેથી ઊલટું ખરેખર, તો મેં મારા મુખને મારા દુશ્મનોને શાપ આપવાનું અને તેઓ મરણ પામે તે ઇચ્છવાનું પાપ થવા દીધું નથી.
- 31 જો મારો ખોરાક ખાઈને તૃપ્ત થયો ન હોય એવો એક પણ માણસ મળી આવે એવું મારા તંબુના માણસોએ શું કદી કહ્યું છે?’
- 32 પરદેશીને શહેરના ચોકમાં રહેવું પડતું નહતું; તેને બદલે, હું મુસાફરને માટે મારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા રાખતો હતો.
- 33 જો મેં મારાં પાપો છુપાવીને, માનવજાતની જેમ જો મારાં અપરાધો મારી અંદર સંતાડ્યા હોય
- 34 અને મોટા જનસમુદાયથી ડરીને, અને કુટુંબના તિરસ્કારથી ડરીને હું મારા ઘરની અંદર છાનોમાનો બેસી રહ્યો હોઉં અને ઘરમાંથી બહાર ગયો ન હોઉં.
- 35 અરે જો કોઈ મારી વાત સાંભળતું હોત તો કેવું સારું! જુઓ, આ મારું ચિહ્ન છે; સર્વશક્તિમાન મને ઉત્તર દો. જો મારા પ્રતિવાદીએ અપરાધનો આરોપ લખ્યો હોત તો કેવું સારું!
- 36 તો હું સાચે જ તેને મારે ખભે ઊંચકી લેત; હું તેને રાજમુગટની જેમ પહેરત.
- 37 મેં મારાં પગલાં તેની સમક્ષ જાહેર કર્યા હોત; તો હું ભરોસાપાત્ર થઈને મારું માથું ઊચુ રાખીને તેની સમક્ષ હાજર થાત.
- 38 જો કદાપિ મારી જમીન મારી વિરુદ્ધ પોકારે, અને તે જમીનના ચાસ ભેગા થઈને રડતાં હોય,
- 39 જો મેં તેની ઊપજ પૈસા આપ્યા વિના ખાધી હોય અથવા તેના માલિકોનો જીવ મારાથી ગુમાવ્યો હોય,
- 40 તો મારી જમીનમાં ઘઉંને બદલે કાંટા ઉત્પન્ન થાય અને જવને બદલે ઘાસ ઉત્પન્ન થાય.” અહીંયાં અયૂબના શબ્દો સમાપ્ત થાય છે.