욥기 40장 구자라트 IRV
- 1 યહોવાહે અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,
- 2 “જે કોઈ દલીલ કરવાની ઇચ્છા રાખે તે શું સર્વશક્તિમાન ઈશ્વરને સુધારી શકે? જે ઈશ્વર સાથે દલીલ કરે છે તે જવાબ આપે.”
- 3 ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,
- 4 “હું અર્થહીન છું; હું તમને કેવી રીતે જવાબ આપી શકું? હું મારો હાથ મારા મોં પર રાખું છું.
- 5 હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ; હા, હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કંઈ બોલીશ નહિ.”
- 6 પછી યહોવાહે વંટોળિયા મારફતે અયૂબને જવાબ આપ્યો કે,
- 7 “હવે બળવાનની માફક જવાબ આપ, હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે.
- 8 શું તું માને છે કે હું અન્યાયી છું? તું ન્યાયી સાબિત થાય માટે શું તું મને દોષિત સાબિત કરીશ?
- 9 તને ઈશ્વરના જેવા હાથ છે? શું તું ગર્જના કરી શકે છે?
- 10 તો હવે તું ગર્વ અને મહિમા ધારણ કર; તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રોની જેમ પરિધાન કર.
- 11 તારા કોપનો ઊભરો ગર્વિષ્ઠો પર રેડી દે; તેના પર દ્રષ્ટિ કરીને તેને નીચો પાડ.
- 12 જે કોઈ અહંકારી હોય તેને નમ્ર બનાવ; દુષ્ટો જ્યાં ઉપસ્થિત હોય તે સ્થાનને કચડી નાખ.
- 13 તે સર્વ લોકોને એકસાથે ધૂળમાં દાટી દે; તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.
- 14 પછી હું પણ તને માન્ય કરીશ કે, તું તારા પોતાના જમણા હાથથી પોતાને બચાવી શકે છે.
- 15 બહેમોથની સામે જો. મેં તેને અને તને ઉત્પન્ન કર્યા છે, તે બળદની જેમ ઘાસ ખાય છે.
- 16 હવે જો, તેનું બળ તેની કમરમાં છે; તેના પેટમાંના સ્નાયુઓમાં સામર્થ્ય છે.
- 17 એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ હાલે છે; એની પગની જાંઘના સ્નાયુઓ કેવા મજબૂત છે.
- 18 તેનાં હાડકાં કાંસાની નળી જેવાં છે; તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે.
- 19 પ્રાણીઓના સર્જનમાં ગેંડો શ્રેષ્ઠ છે. માત્ર ઈશ્વર જ કે જેમણે તેનું સર્જન કર્યું છે તે જ તેને હરાવી શકે છે.
- 20 જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે; ત્યાં પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે.
- 21 તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે. તે બરુઓની વચ્ચે ભીનાશવાળી જગ્યાઓમાં સંતાય છે.
- 22 કમળવૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે; તે નદી પાસે ઊગતા વેલા નીચે રહે છે.
- 23 જો નદીમાં પૂર આવે, તોપણ તે ધ્રૂજતો નથી; તેનામાં આત્મવિશ્વાસ છે, જો યર્દનમાં પૂર ચઢીને તેના મુખ સુધી પાણી આવે તો પણ તે ગભરાતો નથી.
- 24 શું કોઈ તેને આંકડીમાં ભરાવીને પકડી શકે, અથવા ફાંદા દ્વારા તેનું નાક વીંધી શકે છે?