욥기 5장 구자라트 IRV
- 1 “હવે હાંક માર; તને જવાબ આપનાર કોઈ છે ખરું? તું હવે ક્યા પવિત્રને શરણે જશે?
- 2 કેમ કે ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે; ઈર્ષ્યા મૂર્ખનો જીવ લે છે.
- 3 મેં મૂર્ખ વ્યક્તિને મૂળ નાખતાં જોયો છે, પણ પછી અચાનક મેં તેના ઘરને શાપ દીધો.
- 4 તેનાં સંતાનો સહીસલામત નથી, તેઓ ભાગળમાં કચડાય છે. અને તેઓનો બચાવ કરે એવું કોઈ નથી.
- 5 તેઓનો પાક ભૂખ્યા લોકો ખાઈ જાય છે, વળી કાંટાઓમાંથી પણ તેઓ તે લઈ જાય છે. તેઓની સંપત્તિ લોભીઓ ગળી જાય છે.
- 6 કેમ કે વિપત્તિઓ ધૂળમાંથી બહાર આવતી નથી. અને મુશ્કેલીઓ જમીનમાંથી ઊગતી નથી.
- 7 પરંતુ જેમ ચિનગારીઓ ઊંચી ઊડે છે. તેવી જ રીતે મનુષ્ય સંકટને સારુ સૃજાયેલું છે.
- 8 છતાં હું ઈશ્વરને શોધું અને મારી બાબત ઈશ્વરને સોંપું.
- 9 તેઓ મોટાં અને અગમ્ય કાર્યો કરે છે તથા અગણિત અદ્દભુત કાર્યો કરે છે.
- 10 તે પૃથ્વી પર વરસાદ વરસાવે છે, અને ખેતરોમાં જળ પહોંચાડે છે.
- 11 તે સામાન્ય માણસને માનવંતા બનાવે છે; તથા શોકાતુરોને ઊંચે ચઢાવીને સલામત રાખે છે.
- 12 તે ચાલાક, પ્રપંચી લોકોની યોજનાઓને એવી રદ કરે છે કે, જેથી તેઓના હાથથી તેમનાં ધારેલાં કાર્યો થઈ શકતાં નથી.
- 13 કપટી લોકોને તે પોતાના જ છળકપટમાં ગૂંચવી નાખે છે. અને દુષ્ટ માણસોના મનસૂબાનો નાશ કરે છે.
- 14 ધોળે દહાડે તેઓને અંધકાર દેખાય છે, અને ખરે બપોરે તેઓ રાતની જેમ ફાંફાં મારે છે.
- 15 પણ તે લાચારને તેઓની તલવારથી અને તે દરિદ્રીઓને બળવાનના હાથથી બચાવે છે.
- 16 તેથી ગરીબને આશા રહે છે, અને દુષ્ટોનું મોં ચૂપ કરે છે.
- 17 જુઓ, જે માણસને ઈશ્વર શિક્ષા કરે છે. તેને ધન્ય છે, માટે તું સર્વસમર્થની શિક્ષાને તુચ્છ ન ગણ.
- 18 કેમ કે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે; તે ઘાયલ કરે છે અને તેમના હાથ તેને સાજા કરે છે.
- 19 છ સંકટમાંથી તે તને બચાવશે, હા, સાતમાંથી તને કંઈ નુકસાન થશે નહિ.
- 20 તે તને દુકાળમાં મૃત્યુમાંથી; અને યુદ્ધમાં તલવારના ત્રાસમાંથી બચાવી લેશે.
- 21 જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે. અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ.
- 22 વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ. અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ડરીશ નહિ.
- 23 તારા ખેતરના પથ્થરો પણ તારા સંપીલા મિત્રો બનશે. પૃથ્વી પરનાં જંગલી જાનવરોથી પણ તું બીશે નહિ.
- 24 તને ખાતરી થશે કે તારો તંબુ સુરક્ષિત છે. અને તું તારા પોતાના વાડાને તપાસી જોશે, તો તને કશું ખોવાયેલું જોવા મળશે નહિ.
- 25 તને ખાતરી થશે કે મારે પુષ્કળ સંતાનો છે, અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે.
- 26 જેમ પાકેલા ધાન્યનો પૂળો તેની મોસમે ઘરે લવાય છે. તેમ તું તારી પાકી ઉંમરે કબરમાં જઈશ.
- 27 જુઓ, અમે એ વાતની ખાતરી કરી છે કે; તે તો એમ જ છે; તે તું સાંભળ અને તારા હિતાર્થે ધ્યાનમાં લે.”