시편 103편 구자라트 IRV
- 1 હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન અને મારા ખરા અંતઃકરણ, તેમના પવિત્ર નામને સ્તુત્ય માન.
- 2 હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન, અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.
- 3 તે તારાં સઘળાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે.
- 4 તે તારો જીવ નાશથી બચાવે છે; તને કૃપા તથા દયાનો મુગટ પહેરાવે છે.
- 5 તે તારા જીવને ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે.
- 6 યહોવાહ જે ઉચિત છે તે કરે છે, અને તે સર્વ જુલમથી લદાયેલાને માટે ન્યાયનાં કૃત્યો કરે છે.
- 7 તેમણે પોતાના માર્ગો મૂસાને અને પોતાનાં કૃત્યો ઇઝરાયલના વંશજોને જણાવ્યાં.
- 8 યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે; તે ધીરજ રાખનાર છે; તે કૃપા કરવામાં મોટા છે.
- 9 તે હંમેશાં શિક્ષા કરશે નહિ; તે હંમેશા ગુસ્સે રહેતા નથી.
- 10 તેઓ આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી અથવા આપણા પાપના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી.
- 11 કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેમનો આદર કરનાર પર તેમની કૃપા વિશાળ છે.
- 12 પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેમણે આપણા અપરાધો આપણાથી દૂર કર્યાં છે.
- 13 જેમ પિતા પોતાનાં સંતાનો પર દયાળુ છે, તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે.
- 14 કારણ કે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળ છીએ એવું તે જાણે છે.
- 15 માણસના દિવસો ઘાસ જેવા છે; ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે.
- 16 પવન તેના પર થઈને વાય છે અને તે ઊડી જાય છે અને તે ક્યાં હતું એ કોઈને માલૂમ પડતું નથી.
- 17 પણ યહોવાહની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે. તેમનું ન્યાયીપણું તેમના વંશજોને માટે છે.
- 18 તેઓ તેમનો કરાર માને છે અને તેમની સૂચનાઓનું પાલન કરે છે.
- 19 યહોવાહે પોતાનું રાજ્યાસન આકાશમાં સ્થાપ્યું છે અને તેમના રાજ્યની સત્તા સર્વ ઉપર છે.
- 20 હે બળમાં પરાક્રમી, યહોવાહનું વચન પાળનારા તથા તેમની આજ્ઞાઓ પાળનારા તેમના દૂતો, તમે યહોવાહની સ્તુતિ કરો.
- 21 હે યહોવાહનાં સર્વ સૈન્યો, તેમની ઇચ્છાને અનુસરનારા તેમના સેવકો, તમે તેમને સ્તુત્ય માનો.
- 22 યહોવાહના રાજ્યમાં સર્વ સ્થળોમાં તેમનાં સૌ કૃત્યો તેમને સ્તુત્ય માનો; હે મારા આત્મા, તું યહોવાહને સ્તુત્ય માન.