시편 106편 구자라트 IRV
- 1 યહોવાહની સ્તુતિ કરો. યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
- 2 યહોવાહનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? અથવા તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?
- 3 જેઓ ન્યાયને અનુસરે છે અને જેઓના કામો હંમેશાં ન્યાયી છે તે આશીર્વાદિત છે.
- 4 હે યહોવાહ, જ્યારે તમે તમારા લોકો પર કૃપા કરો, ત્યારે મને યાદ રાખજો; જ્યારે તમે તેઓને બચાવો ત્યારે મને સહાય કરજો.
- 5 જેથી હું તમારા પસંદ કરેલાઓનું ભલું જોઉં, તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું અને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું.
- 6 અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે; અમે અન્યાય કર્યા છે અને અમે દુષ્ટતા કરી છે.
- 7 મિસરમાંના તમારાં ચમત્કારોમાંથી અમારા પિતૃઓ કંઈ સમજ્યા નહિ; તેઓએ તમારી કૃપાનાં કાર્યોની અવગણના કરી; તેઓએ સમુદ્ર પાસે, એટલે રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.
- 8 તોપણ તમે પોતાના નામની ખાતર તેઓને બચાવ્યા કે જેથી તમે પોતાના લોકોને તમારું પરાક્રમ બતાવી શકો.
- 9 પ્રભુએ રાતા સમુદ્રને ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો. એ પ્રમાણે તેમણે જાણે અરણ્યમાં હોય, તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોર્યા.
- 10 જેઓ તેઓને ધિક્કારે છે તેઓના હાથમાંથી તેમણે તેઓને બચાવ્યા અને દુશ્મનના પરાક્રમથી તેઓને છોડાવ્યા.
- 11 તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું; તેઓમાંનો એક પણ બચ્યો નહિ.
- 12 ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો અને તેઓએ તેમનાં સ્તોત્ર ગાયા.
- 13 પણ તેઓ તેમનાં કરેલાં કૃત્યો પાછા જલદીથી ભૂલી ગયા; તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ.
- 14 અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી અને તેઓએ રાનમાં ઈશ્વરને પડકાર આપ્યો.
- 15 તેમણે તેઓની માગણીઓ પ્રમાણે તેઓને આપ્યું, પણ તેઓના આત્મામાં નબળાઈ મોકલી.
- 16 તેઓએ છાવણીમાં મૂસાની ઈર્ષ્યા કરી અને યહોવાહના પવિત્ર યાજક હારુનની અદેખાઈ કરી.
- 17 ભૂમિ ફાટીને દાથાનને ગળી ગઈ અને અબિરામના સમુદાયને ભૂમિમાં ઉતારી દીધો.
- 18 તેઓના સમુદાયમાં અગ્નિ સળગી પ્રગટ્યો; અગ્નિએ દુષ્ટોને બાળી નાખ્યા.
- 19 તેઓએ હોરેબ આગળ વાછરડો બનાવ્યો અને ઢાળેલી મૂર્તિની પૂજા કરી.
- 20 તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત ઈશ્વરને બદલી નાખ્યા, કેમ કે ઘાસ ખાનાર બળદની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલ્યો.
- 21 તેઓ પોતાના બચાવનાર ઈશ્વરને ભૂલી ગયા, કે જેમણે મિસરમાં અદ્દભુત કાર્યો કર્યાં હતાં.
- 22 તેમણે હામના દેશમાં આશ્ચર્યકારક કામો તથા લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યાં હતાં.
- 23 તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું પણ તેઓનો સંહાર કરવાને થયેલા કોપને શમાવવાને માટે તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો.
- 24 પછી તેમણે તે ફળદ્રુપ દેશને તુચ્છ ગણ્યો; તેઓએ તેના વચનનો વિશ્વાસ કર્યો નહિ.
- 25 પણ તેઓ પોતાના તંબુઓમાં કચકચ કરીને યહોવાહને આધીન થયા નહિ.
- 26 તેથી તેમણે તેઓને માટે શપથ લીધા કે તેઓ અરણ્યમાં નાશ પામે.
- 27 વિદેશીઓમાં તેઓના વંશજોને વિખેરી નાખ્યા અને દેશપરદેશમાં તેઓને વિખેરી નાખ્યા.
- 28 તેઓએ બઆલ-પેઓરની પૂજા કરી અને અર્પણને માટે અર્પિત કરેલા મૃતદેહનો ભક્ષ કર્યો.
- 29 એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી તેમને ચીડવ્યા અને તેઓમાં મરકી ફાટી નીકળી.
- 30 પછી ફીનહાસે ઊભા થઈને મધ્યસ્થી કરી અને મરકી અટકી ગઈ.
- 31 આ તેનું કામ તેના લાભમાં પેઢી દરપેઢી સર્વકાળ માટે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યું.
- 32 મરીબાહના પાણીના સંબંધમાં પણ તેઓએ તેમને ખીજ્વ્યા અને તેઓને લીધે મૂસાને સહન કરવું પડ્યું.
- 33 તેઓએ મૂસાને ઉશ્કેર્યો અને તે અવિચારીપણે બોલવા લાગ્યો.
- 34 જેમ યહોવાહે તેઓને આજ્ઞા આપી હતી તેમ, તેઓએ તે લોકોનો નાશ કર્યો નહિ.
- 35 પણ તેઓ પ્રજાઓ સાથે ભળી ગયા અને તેઓના માર્ગો અપનાવ્યા.
- 36 અને તેઓની મૂર્તિઓની પૂજા કરી, તે તેઓને ફાંદા રૂપ થઈ પડી.
- 37 તેઓએ પોતાનાં દીકરા તથા દીકરીઓનું દુષ્ટાત્માઓને બલિદાન આપ્યું.
- 38 તેઓએ નિર્દોષ લોહી, એટલે પોતાનાં દીકરાદીકરીઓનું લોહી વહેવડાવ્યું, તેનું તેઓએ કનાનની મૂર્તિઓને બલિદાન કર્યુ, લોહીથી દેશને અશુદ્ધ કર્યો.
- 39 તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા તેમનાં કાર્યોમાં તેઓ અવિશ્વાસુ થયા.
- 40 તેથી યહોવાહ પોતાના લોકો પર ગુસ્સે થયા અને તે પોતાના લોકોથી કંટાળી ગયા.
- 41 તેમણે તેઓને વિદેશીઓના હાથમાં સોંપી દીધા અને જેઓ તેમને ધિક્કારતા હતા, તેઓએ તેમના પર રાજ કર્યું.
- 42 તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા અને તેઓના અધિકાર નીચે પડીને તેઓ તાબેદાર થયા.
- 43 ઘણી વાર તે તેમની મદદે આવ્યા, પણ તેઓએ બંડ કરવાનું ચાલું રાખ્યું અને પોતાના પાપને લીધે તેઓ પાયમાલ થયા.
- 44 તેમ છતાં તેઓની પ્રાર્થનાઓ સાંભળીને તેમણે તેઓનું સંકટ લક્ષમાં લીધું.
- 45 તેઓની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો.
- 46 તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે તેમના પર કરુણા કરાવી.
- 47 હે યહોવાહ, અમારા ઈશ્વર, અમારો બચાવ કરો. વિદેશીઓમાંથી અમને એકત્ર કરો કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને સ્તુતિ કરીને તમારો મહિમા કરીએ.
- 48 હે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, તમે અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ. સર્વ લોકોએ કહ્યું, “આમીન.” યહોવાહની સ્તુતિ કરો.