시편 107편 구자라트 IRV
- 1 યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
- 2 જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું, એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.
- 3 તેમણે તેઓને દેશવિદેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી એકત્ર કર્યા.
- 4 અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા અને તેઓને રહેવા માટે કોઈ નગર મળ્યું નહિ.
- 5 તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા; તેઓના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા.
- 6 પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યાં અને તેમણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા.
- 7 તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા કે જેથી તેઓ વસવાલાયક નગરમાં જાય અને ત્યાં વસવાટ કરે.
- 8 તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે, તો કેવું સારું!
- 9 કારણ કે તે તરસ્યાઓને સંતોષ પમાડે છે અને ભૂખ્યાઓને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.
- 10 કેટલાક અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા, આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા.
- 11 કેમ કે તેઓએ ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યા, પરાત્પર ઈશ્વરની સૂચનાઓનો ઇનકાર કર્યો.
- 12 તેઓનાં હૃદયો તેમણે કષ્ટથી નમ્ર કર્યાં; તેઓ લથડી પડ્યા અને તેઓને સહાય કરનાર કોઈ ન હતું.
- 13 પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યા અને તેમણે તેઓને દુઃખમાંથી ઉગાર્યા.
- 14 તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી બહાર લાવ્યા અને તેમણે તેઓનાં બંધન તોડી નાખ્યાં.
- 15 તેમની કૃપા તથા માનવજાત માટેના તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
- 16 કેમ કે તેમણે પિત્તળના દરવાજા ભાંગી નાખ્યા અને તેઓની લોખંડની ભૂંગળો તોડી નાખી.
- 17 તેઓ પોતાના બળવાખોર માર્ગોમાં મૂર્ખ હતા તથા પોતાના પાપથી સંકટમાં આવી પડ્યા.
- 18 તેઓના જીવો સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે અને તેઓ મરણ દ્વાર સુધી આવી પહોંચે છે.
- 19 પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી ઉગારે છે.
- 20 તેઓ પોતાનું વચન મોકલીને તેઓને સાજા કરે છે અને તેમણે તેઓને દુર્દશામાંથી છોડાવ્યા છે.
- 21 આ તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
- 22 તેઓને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવવા દો અને તેઓનાં કામ ગીતોથી પ્રગટ કરે.
- 23 જેઓ વહાણમાં બેસીને સમુદ્રમાં ઊતરે છે અને સમુદ્રપાર વ્યાપાર કરે છે.
- 24 તેઓ યહોવાહનાં કાર્યો તથા સમુદ્ર પરનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો જુએ છે.
- 25 કેમ કે તે આજ્ઞા આપે છે અને તોફાની પવનો ચડી આવે છે; તેથી સમુદ્રના મોજાંઓ ઊંચાં ઊછળે છે.
- 26 મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે. તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.
- 27 તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
- 28 પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.
- 29 તેમણે તોફાનને શાંત કર્યાં અને મોજાં શાંત થયાં.
- 30 પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
- 31 આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
- 32 લોકોની સભામાં તેમને મોટા મનાવો અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.
- 33 તે નદીઓને સ્થાને અરણ્ય, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ,
- 34 અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે.
- 35 તે અરણ્યને સ્થાને સરોવર અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.
- 36 તેમાં તે ભૂખ્યાજનોને વસાવે છે અને તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે.
- 37 તેઓ ખેતરમાં વાવેતર કરે છે; અને દ્રાક્ષવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ મેળવે છે.
- 38 તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે. તે તેઓનાં જાનવરોને ઓછા થવા દેતા નથી.
- 39 તેઓના જુલમ, વિપત્તિ તથા શોક પાછા ઘટાડવામાં આવે છે અને તેઓને નીચા પાડવામાં આવે છે.
- 40 તે શત્રુઓના સરદારો પર અપમાન લાવે છે અને માર્ગ વિનાના અરણ્યમાં તેઓને રખડાવે છે.
- 41 પણ તે જરૂરિયાતમંદોને સંકટમાંથી છોડાવીને તેઓનું રક્ષણ કરે છે અને ટોળાંની જેમ તેઓના કુટુંબની સંભાળ લે છે.
- 42 તે જોઈને ન્યાયીઓ આનંદ પામશે અને સઘળા અન્યાયીઓનાં મુખ બંધ થશે.
- 43 જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાહની કૃપા વિષે મનન કરશે.