시편 115편 구자라트 IRV
- 1 હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ, કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે, તમારું નામ મહિમાવાન મનાઓ,
- 2 પ્રજાઓ શા માટે કહે છે, “તેઓના ઈશ્વર ક્યાં છે?”
- 3 અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું.
- 4 તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે.
- 5 તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી;
- 6 તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી; તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી.
- 7 તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી; વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી.
- 8 તેઓના બનાવનારા અને તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે.
- 9 હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
- 10 હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
- 11 હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
- 12 યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે; તે ઇઝરાયલના પરિવારને અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે.
- 13 જે યહોવાહને માન આપે છે, તેવાં નાનાં કે મોટાં બન્નેને તે આશીર્વાદ આપશે.
- 14 યહોવાહ તમારી તેમ જ તમારા વંશજોની વૃદ્ધિ કર્યા કરશે.
- 15 તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, યહોવાહના આશીર્વાદ પામ્યા છો.
- 16 આકાશો યહોવાહનાં છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.
- 17 મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી.
- 18 પણ અમે આજથી તે સર્વકાળ સુધી યહોવાહની સ્તુતિ કરીશું. યહોવાહની સ્તુતિ થાઓ.