시편 116편 구자라트 IRV
- 1 હું યહોવાહને પ્રેમ કરું છું કેમ કે તેમણે મારો અવાજ અને મારી વિનંતી સાંભળી છે.
- 2 તેમણે મારી તરફ પોતાના કાન ધર્યા છે, મારા જીવનપર્યંત હું તેમની પ્રાર્થના કરીશ.
- 3 મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં.
- 4 ત્યારે મેં યહોવાહના નામનો પોકાર કર્યો: “હે યહોવાહ, કૃપા કરીને મારા આત્માને છોડાવો.”
- 5 યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે.
- 6 યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો.
- 7 હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.
- 8 કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે.
- 9 હું જીવલોકમાં યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ.
- 10 મને તેમનામાં વિશ્વાસ છે માટે હું આમ બોલું છું, “હું ઘણો દુઃખી થઈ ગયો છું.”
- 11 મારા ગભરાટમાં મેં કહ્યું, “સર્વ માણસો જૂઠા છે.”
- 12 હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું?
- 13 હું ઉદ્ધારનો પ્યાલો લઈને, યહોવાહના નામને વિનંતિ કરીશ.
- 14 યહોવાહની આગળ મેં જે સંકલ્પો કર્યા છે, તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂર્ણ કરીશ.
- 15 યહોવાહની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે.
- 16 હે યહોવાહ, નિશ્ચે, હું તમારો સેવક છું; હું તમારો જ સેવક છું, તમારી સેવિકાનો દીકરો; તમે મારાં બંધન છોડ્યાં છે.
- 17 હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ અને હું યહોવાહના નામે પોકારીશ.
- 18 યહોવાહની સમક્ષ લીધેલા સંકલ્પો જે મેં તેમના સર્વ લોકોની સમક્ષ લીધા છે, તે પાળીશ.
- 19 હે યરુશાલેમ, તારી અંદર, યહોવાહના ઘરનાં આંગણામાં યહોવાહની સ્તુતિ થાઓ.