시편 119편 구자라트 IRV
- 1 જેના માર્ગો સીધા છે, જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે.
- 2 જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે, તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે.
- 3 તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે.
- 4 તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ.
- 5 તમારા વિધિઓ પાળવાને માટે મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું!
- 6 જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, ત્યારે હું શરમિંદો નહિ થાઉં.
- 7 જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ.
- 8 હું તમારા વિધિઓને અનુસરીશ; મારો ત્યાગ ન કરો.
- 9 જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનો પાળવાથી.
- 10 મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.
- 11 મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
- 12 હે યહોવાહ, તમે સ્તુતિપાત્ર છો; કૃપા કરીને મને તમારાં શાસનો શીખવો.
- 13 મારા હોઠોથી હું તમારા બધા નિયમો વિષે વાત કરીશ.
- 14 તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ સંપત્તિ કરતાં વધારે આનંદ મળ્યો છે.
- 15 હું તમારા નિયમોનું મનન કરીશ અને તમારા માર્ગોને અનુસરીશ.
- 16 તમારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ.
- 17 તમારા સેવક ઉપર કૃપા કરો કે હું જીવું અને તમારાં વચનો પાળું.
- 18 તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; મારી આંખો ઉઘાડો.
- 19 હું તો પૃથ્વી પર વિદેશી છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો.
- 20 મારું હૃદય તમારાં ન્યાયવચનો માટે સર્વ સમયે તીવ્ર ઝંખના કરે છે.
- 21 તમે ગર્વિષ્ઠ લોકોને તેમ જ જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી, તેઓને શ્રાપ આપો છો.
- 22 મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો, કારણ કે મેં તમારા નિયમો માન્યા છે.
- 23 સરદારો પણ આસનો પર બેસીને મારી વિરુદ્ધ બોલતા હતા, પણ તમારા સેવકે તમારા વિધિઓનું મનન કર્યું છે.
- 24 તમારાં સાક્ષ્યોથી મને આનંદ થાય છે અને તેઓ મારા સલાહકારો છે.
- 25 મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે; તમારા વચન પ્રમાણે મને જિવાડો.
- 26 મેં મારા માર્ગો તમને પ્રગટ કર્યા અને તમે મને ઉત્તર આપ્યો; મને તમારા વિધિઓ શીખવો.
- 27 તમારી સૂચનાઓના માર્ગો સમજવા મારી મદદ કરો, જેથી હું તમારા અદ્દભુત શિક્ષણ વિશે ચર્ચા કરી શકું.
- 28 દુઃખને કારણે મારું હૃદય ભારે થઈ ગયું છે; તમારાં વચન પ્રમાણે મને બળવાન કરો.
- 29 અસત્યનો માર્ગ મારાથી દૂર કરો; કૃપા કરીને મને તમારા નિયમો શીખવો.
- 30 મેં વિશ્વાસુપણાનો માર્ગ પસંદ કર્યો છે; મેં હંમેશા તમારાં ન્યાયવચનો મારી નજરમાં રાખ્યાં છે.
- 31 હું તમારાં સાક્ષ્યોને વળગી રહ્યો છું; હે યહોવાહ, મારે લજ્જિત થવું ન પડે.
- 32 તમારી આજ્ઞાઓના માર્ગમાં હું દોડીશ, કેમ કે તમે મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.
- 33 હે યહોવાહ, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો અને હું અંત સુધી તે પ્રમાણે ચાલીશ.
- 34 મને સમજણશક્તિ આપો એટલે હું તમારો નિયમ પાળીશ; હું મારા હૃદયથી તેનું અનુકરણ કરીશ.
- 35 મને તમારી આજ્ઞાઓના માર્ગમાં દોરો, કારણ કે હું તેમાં આનંદ માનું છું.
- 36 તમારા કરાર પર ધ્યાન આપવા માટે મારા હૃદયને દોરો અને લોભ તરફથી મને વારો.
- 37 વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો; તમારા માર્ગ વિષે મને આતુર કરો.
- 38 તમારું જે વચન ભય ઉપજાવનારું છે; તે તમારા સેવકના લાભમાં દ્રઢ કરો.
- 39 જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો; કારણ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે.
- 40 જુઓ, તમારા નિયમોને આધીન થવા માટે હું ઝંખુ છું; મારા ન્યાયીપણામાં તમે મારા જીવનને સંભાળી રાખો.
- 41 હે યહોવાહ, તમારો અવિકારી પ્રેમ, તમારા વચન પ્રમાણે, તમારો ઉદ્ધાર મને આપો.
- 42 તેથી હું મારું અપમાન કરનારને જવાબ આપી શકું, કેમ કે હું તમારાં વચનનો ભરોસો કરું છું.
- 43 મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લો, કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું.
- 44 હું સદા સર્વદા તમારા નિયમોનું અવલોકન કરીશ.
- 45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી હું નિરાંતે જીવીશ.
- 46 હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ અને તેમાં શરમાઈશ નહિ.
- 47 તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ, તેઓ પર મેં પ્રેમ કર્યો છે.
- 48 હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે; હું તમારા વિધિઓનું મનન કરીશ.
- 49 તમારા જે વચનથી મને આશા ઊપજી છે, તે વચન તમારા સેવકને માટે સંભારો.
- 50 મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે: તમારા વચને મને જિવાડ્યો છે.
- 51 અભિમાની લોકો મારી મજાક કરે છે, પણ હું તમારા નિયમમાંથી પાછો વળ્યો નથી.
- 52 હે યહોવાહ, પુરાતન કાળથી તમારાં જે ન્યાયવચનો છે તેમને મેં સંભાર્યાં છે અને મને દિલાસો મળ્યો છે.
- 53 જે દુષ્ટો તમારા નિયમોની અવગણના કરે છે; તેઓ પર મને ક્રોધ ઊપજે છે.
- 54 તમારા વિધિઓ મારાં ગીતો છે તેઓ મારી જીવનયાત્રામાં મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
- 55 હે યહોવાહ, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે અને હું તમારા નિયમો પાળું છું.
- 56 આ મારું આચરણ છે કેમ કે મેં તમારાં સાક્ષ્યોનું અનુસરણ કર્યું છે.
- 57 હે યહોવાહ તમે મારો વારસો છો; હું તમારાં વચનો પાળીશ એમ મેં કહ્યું છે.
- 58 મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માગણી કરી છે; તમારા વચન પ્રમાણે, તમે મારા ઉપર દયા કરો.
- 59 મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું.
- 60 તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; વાર લગાડી નથી.
- 61 મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે; તમારા નિયમોને હું ભૂલી ગયો નથી.
- 62 તમારાં ન્યાયીવચનોને લીધે હું તમારો આભાર માનવા મધ્ય રાત્રે ઊઠીશ.
- 63 જે કોઈ તમને માન આપે છે અને જેઓ તમારી સૂચનાઓને અનુસરે છે, તેઓનો હું સાથી છું.
- 64 હે યહોવાહ, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે; મને તમારા વિધિઓ શીખવો.
- 65 હે યહોવાહ, વચન પ્રમાણે, તમે તમારા સેવકને માટે સારું જ કર્યું છે.
- 66 મને સારો વિવેક તથા ડહાપણ શીખવો, કેમ કે હું તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.
- 67 દુઃખી થયા અગાઉ હું આડે રસ્તે ગયો હતો, પણ હવે હું તમારાં વચન પાળું છું.
- 68 તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; મને તમારા વિધિઓ શીખવો.
- 69 ઘમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે, પણ હું તમારા નિયમો મારા ખરા હૃદયથી પાળીશ.
- 70 તેઓના હૃદયો જડ છે, પણ હું તો તમારા નિયમમાં આનંદ પામું છું.
- 71 મેં જે સહન કર્યું છે તે મને ગુણકારક થઈ પડ્યું છે કે જેથી હું તમારા વિધિઓ શીખી શકું.
- 72 સોનાચાંદીના હજારો સિક્કા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે.
- 73 તમે તમારા હાથોથી જ મને ઘડ્યો છે તથા બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજણ આપો.
- 74 તમારો ભય રાખનારા મને જોઈને આનંદ પામશે કારણ કે મેં તમારાં વચનોની આશા રાખી છે.
- 75 હે યહોવાહ, હું જાણું છું કે, તમારાં વચનો ન્યાયી છે અને વિશ્વાસુપણાએ તમે મને શિસ્તબદ્ધ કર્યો છે.
- 76 તમારા સેવકને આપેલા તમારા વચન પ્રમાણે તમારી કૃપાથી મને દિલાસો મળો.
- 77 હું જીવતો રહું, માટે તમારી દયા મને બતાવો, કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે.
- 78 અભિમાનીઓ લજ્જા પામો, કેમ કે તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે; પણ હું તો તમારાં વચનોનું મનન કરું છું.
- 79 જેઓ તમને માન આપે છે અને જેઓને તમારાં સાક્ષ્યો વિષે ડહાપણ છે, તેઓ મારી પાસે આવો.
- 80 તમારા નિયમોની આધીનતામાં મારું હૃદય નિર્દોષ રહો કે જેથી મારે બદનામ ન થવું પડે.
- 81 મારો જીવ તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે મૂંઝાય છે; હું તમારાં વચનની આશા રાખું છું.
- 82 તમે મને ક્યારે દિલાસો આપશો? એમ કહેતાં મારી આંખો તમારાં વચનને માટે નિસ્તેજ થઈ જાય છે.
- 83 કેમ કે હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું; હું તમારા વિધિઓને વીસરતો નથી.
- 84 તમારા સેવકના દિવસ કેટલા છે? મને સતાવનારાઓનો ન્યાય તમે ક્યારે કરશો?
- 85 જે ગર્વિષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા, તેઓએ મારા માટે ખાડા ખોદ્યા છે.
- 86 તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે, તમે મને મદદ કરો; તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.
- 87 પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો, પણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નથી.
- 88 તમારી કૃપા પ્રમાણે તમે મને જિવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.
- 89 હે યહોવાહ, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
- 90 તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ પૃથ્વી સ્થાપી છે અને તે નીભી રહે છે.
- 91 તમારાં ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજ સુધી નીભી રહી છે; કેમ કે તે સર્વ તમારા સેવકો છે.
- 92 જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, તો હું મારા દુઃખમાં જ નાશ પામ્યો હોત.
- 93 હું કદી તમારાં શાસનોને ભૂલીશ નહિ, કારણ કે તમે મને તેઓથી જ જિવાડ્યો છે.
- 94 હું તમારો છું; મારું રક્ષણ કરો, કારણ કે મેં તમારાં શાસનોને શોધ્યાં છે.
- 95 દુષ્ટો મારો નાશ કરવાની તૈયારીમાં છે, પણ હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.
- 96 મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, પણ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.
- 97 તમારા નિયમો પર હું કેટલો બધો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
- 98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણ કે તમારી આજ્ઞાઓ મારી પાસે સર્વદા છે.
- 99 મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે કારણ કે હું તમારાં સાક્ષ્યોનું મનન કરું છું.
- 100 વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું; આ એ માટે કે મેં તમારા નિયમો પાળ્યા છે.
- 101 હું તમારું વચન પાળી શકું તે માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પાછા વાળ્યા છે.
- 102 તમારાં ન્યાયી વચનોને મેં તજી દીધા નથી, કારણ કે તમે મને તે શીખવ્યાં છે.
- 103 મારી રુચિને તમારાં વચનો કેવા મીઠાં લાગે છે, હા, તેઓ મારા મુખને માટે મધ કરતાં વધુ મીઠાં છે!
- 104 તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
- 105 મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે.
- 106 હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ, એવી પ્રતિજ્ઞા મેં કરી હતી અને તે પાળી પણ છે.
- 107 હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવાહ, તમારાં વચનો પ્રમાણે મને જિવાડો.
- 108 હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં ઐચ્છિકાર્પણનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો.
- 109 મારો પ્રાણ સદા મુશ્કેલીમાં છે, પણ હું તમારા નિયમને વીસરતો નથી.
- 110 દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે, પણ હું તમારાં શાસનોથી નાસી ગયો નથી.
- 111 મેં તમારાં સાક્ષ્યોને સદાકાળનો વારસો માન્યાં છે, કેમ કે તેઓ મારા હૃદયનો આનંદ છે.
- 112 તમારા વિધિઓ અંત સુધી સદા પાળવાને મેં મારા હૃદયને વાળ્યું છે.
- 113 હું બે મન વાળાઓને ધિક્કારું છું, પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.
- 114 તમે જ મારી સંતાવાની જગ્યા તથા ઢાલ છો; હું તમારાં વચનની આશા રાખું છે.
- 115 દુષ્ટ મનવાળા માણસો મારાથી દૂર રહો, કે જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.
- 116 તમારા વચન મુજબ મને આધાર આપો કે જેથી હું જીવી શકું અને મારી આશાઓને નિરર્થક કરશો નહિ.
- 117 તમે મારા સહાયકારી થાઓ અને હું સલામત રહીશ; હું સદા તમારા નીતિ નિયમોનું મનન કરીશ.
- 118 જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે ધિક્કાર કરો છો, કારણ કે તેઓનો ઢોંગ વ્યર્થ છે.
- 119 તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.
- 120 હું તમારા ભયથી કાંપુ છું અને હું તમારા ન્યાયવચનોથી ગભરાઉં છું.
- 121 મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે; મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો.
- 122 તમારા સેવક માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો.
- 123 તમારા ઉદ્ધારની અને ન્યાયી વચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ છે.
- 124 તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો અને તમારા વિધિઓ મને શીખવજો.
- 125 હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો, કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું.
- 126 હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે, કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે.
- 127 હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.
- 128 તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
- 129 તમારા નિયમો અદ્દભુત છે; તેથી હું તેમને પાળું છું.
- 130 તમારાં વચનો ખુલ્લો પ્રકાશ આપે છે; તે ભોળા માણસ પણ સમજી શકે છે.
- 131 હું મારું મુખ ઉઘાડીને તલપી રહ્યો છું, કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો.
- 132 જેમ તમે તમારા નામ પર પ્રેમ રાખનારાઓની સાથે વર્તો છો, તેમ તમે મારા તરફ ફરીને મારા પર દયા કરો.
- 133 તમારા વચન પ્રમાણે મને ચલાવો; કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો.
- 134 જુલમી માણસોથી મને બચાવો, કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું.
- 135 તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો અને તમારા બધા નિયમો મને શીખવો.
- 136 તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે.
- 137 હે યહોવાહ, તમે ન્યાયી છો અને તમારાં ન્યાયવચનો યથાર્થ છે.
- 138 ન્યાયીપણાથી તથા પૂરેપૂરા વિશ્વાસુપણાથી તમે તમારાં સાક્ષ્યો ફરમાવ્યાં છે.
- 139 મારા શત્રુઓ તમારાં વચન વીસરી ગયા છે તેથી મારા રોષે મને ક્ષીણ કર્યો છે.
- 140 તમારું વચન તદ્દન નિર્મળ છે અને તમારો સેવક તેના પર પ્રેમ રાખે છે.
- 141 હું નાનો તથા ધિક્કારાયેલો છું, તોપણ હું તમારાં શાસનોને ભૂલી જતો નથી.
- 142 તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; અને તમારો નિયમ સત્ય છે.
- 143 મને ઉપાધિઓએ તથા આપત્તિઓએ જકડી લીધો છે, તમારી આજ્ઞાઓ મારો આનંદ છે.
- 144 તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; માટે મને સમજણ આપો, જેથી હું જીવતો રહીશ.
- 145 મેં ખરા હૃદયથી વિનંતિ કરી છે, “હે યહોવાહ, મને ઉત્તર આપો, હું તમારા નિયમોનું પાલન કરીશ.
- 146 મેં તમને પ્રાર્થના કરી છે; મારો બચાવ કરો, એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.”
- 147 પ્રભાત થતાં પહેલા મેં સહાયને માટે પ્રાર્થના કરી. મને તમારાં વચનોની આશા છે.
- 148 તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લાં પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.
- 149 તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવાહ, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
- 150 જેઓ દુષ્ટ ભાવથી મારી પાછળ લાગેલા છે તેઓ મારી નજીક આવે છે, પણ તેઓ તમારા નિયમથી દૂર છે.
- 151 હે યહોવાહ, તમે મારી નજદીક છો અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
- 152 લાંબા સમય પૂર્વે તમારા સાક્ષ્યોથી મેં જાણ્યું કે, તમે તેઓને સદાને માટે સ્થાપ્યા છે.
- 153 મારી વિપત્તિ સામું જુઓ અને મને સહાય કરો, કેમ કે હું તમારો નિયમ ભૂલતો નથી.
- 154 મારી લડતને લડો અને મને બચાવો; મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
- 155 દુષ્ટોથી ઉદ્ધાર દૂર રહે છે, કારણ કે તે તમારા નિયમોને પ્રેમ કરતા નથી.
- 156 હે યહોવાહ, તમારી કરુણા મહાન છે; તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
- 157 મને સતાવનારા અને મારા શત્રુઓ ઘણા છે, પણ હું તમારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
- 158 મેં વિશ્વાસઘાતીઓને જોયા અને મેં તેમનો અસ્વીકાર કર્યો કારણ કે તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
- 159 હું તમારાં શાસનો પર કેટલો બધો પ્રેમ રાખું છું; હે યહોવાહ, તે ધ્યાનમાં લેજો, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
- 160 તમારાં બધાં વચનો સત્ય છે; તમારાં સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકનારાં છે.
- 161 સરદારોએ મને વિનાકારણ સતાવ્યો છે; મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
- 162 જેમ કોઈ એકને મોટો ખજાનો મળે તેમ તમારા વચનથી મને આનંદ થાય છે.
- 163 હું અસત્યને ધિક્કારું છું અને તેનાથી કંટાળું છું, પણ હું તમારા નિયમને ચાહું છું.
- 164 તમારાં યથાર્થ અને ન્યાયી વચનોને કારણે, હું દિવસમાં સાતવાર તમારી સ્તુતિ કરું છું.
- 165 તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે; તેઓને કોઈ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
- 166 હે યહોવાહ, તમારા ઉદ્ધારની મેં આશા રાખી છે અને મેં તમારી આજ્ઞાઓ પાળી છે.
- 167 હું તમારાં સાક્ષ્યોને અનુસર્યો અને હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
- 168 હું તમારાં બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું, કેમ કે હું જે કરું તે બધું તમે જાણો છો.
- 169 હે યહોવાહ, મને સહાય કરવાને મારી પ્રાર્થનાઓ સાંભળો; તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.
- 170 મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; તમારા વચન પ્રમાણે મને સહાય કરો.
- 171 મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, કારણ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો.
- 172 મારી જીભ તમારા વચન વિષે ગાયન કરો, કારણ કે તમારી સર્વ આજ્ઞાઓ ન્યાયી છે.
- 173 મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ, કારણ કે મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યું છે.
- 174 હે યહોવાહ, હું તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે અભિલાષી છું અને તમારો નિયમ એ જ મારો આનંદ છે.
- 175 મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારાં ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
- 176 હું ભૂલા પડેલા ઘેટાંની જેમ ભટકી ગયો છું; તમારા સેવકને શોધી કાઢો, કારણ કે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.