시편 135편 구자라트 IRV
- 1 યહોવાહની સ્તુતિ કરો. યહોવાહના નામની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.
- 2 યહોવાહના ઘરમાં, આપણા ઈશ્વરના ઘરના, આંગણાંમાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
- 3 યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે; તેમના નામની સ્તુતિ કરો, કારણ કે તેમ કરવું આનંદદાયક છે.
- 4 કેમ કે યહોવાહે પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે, ઇઝરાયલ ખાસ તેમની સંપત્તિ છે.
- 5 હું જાણું છું કે યહોવાહ મહાન છે, આપણા પ્રભુ સર્વ દેવો કરતાં તે મહાન છે.
- 6 આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.
- 7 તે પાણીની વરાળને ઊંચે લઈ જઈ તેનાં વાદળાં ચઢાવે છે, તે વીજળી મોકલી વરસાદને વરસાવે છે અને પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
- 8 મિસરમાં તેમણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો નાશ કર્યો.
- 9 તેમણે ફારુન અને તેના સેવકોની વિરુદ્ધ પોતાના ચિહ્નો તથા ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યાં.
- 10 તેમણે ઘણી પ્રજાઓ પર હુમલો કર્યો અને પરાક્રમી રાજાઓને મારી નાખ્યા,
- 11 અમોરીઓના રાજા સીહોનને અને બાશાનના રાજા ઓગને અને કનાનના સર્વ રાજ્યોને તેમણે માર્યાં.
- 12 તેમના દેશને તેમણે પોતાના લોક ઇઝરાયલને વારસામાં આપ્યો.
- 13 હે યહોવાહ, તમારું નામ અનંતકાળ ટકનાર છે, હે યહોવાહ, તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
- 14 કેમ કે યહોવાહ પોતાના લોકોનો ન્યાય કરશે અને તે પોતાના સેવકો પ્રત્યે દયાળુ થશે.
- 15 વિદેશીઓની મૂર્તિઓ તો સોનાચાંદીની છે, તેઓ માણસોના હાથથી જ બનેલી છે.
- 16 તે મૂર્તિઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી.
- 17 તેઓને કાન છે, પણ તેઓ સાંભળતી નથી, તેઓનાં મુખમાં શ્વાસ નથી.
- 18 જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે, જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
- 19 હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.
- 20 હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો.
- 21 સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો, જે યરુશાલેમમાં રહે છે. તે યહોવાહની સ્તુતિ કરો.