시편 138편 구자라트 IRV

  1. 1 હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ.
  2. 2 હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ.
  3. 3 મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે.
  4. 4 હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
  5. 5 તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે, કારણ કે યહોવાહનો મહિમા મહાન છે.
  6. 6 જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે, પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે.
  7. 7 જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો અને તમારો જમણો હાથ મારો બચાવ કરશે.
  8. 8 યહોવાહ અંત સુધી મારી સાથે છે; હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે; તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ.