시편 16편 구자라트 IRV
- 1 હે ઈશ્વર, મારી રક્ષા કરો, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
- 2 મેં યહોવાહને કહ્યું છે, “તમે મારા પ્રભુ છો; તમારા વગર મારું કોઈ હિત નથી.
- 3 જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉમદા લોકો છે; મારો સર્વ આનંદ તેઓમાં છે.
- 4 જેઓ બીજા દેવોની પૂજા કરવા દોડે છે, તેઓનાં દુ:ખ વધી પડશે. તેઓના દેવોને માટે લોહીનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ.
- 5 યહોવાહ, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. તમે મારા હિસ્સાનો આધાર છો.
- 6 મારો ભાગ આનંદદાયક સ્થળે પડ્યો છે; ચોક્કસ મને સુશોભિત વારસો મારો છે.
- 7 યહોવાહે મને બોધ આપ્યો છે, હું તેમની પ્રશંસા કરું છું; મારું અંતઃકરણ રાતના સમયે મને બોધ આપે છે.
- 8 મેં યહોવાહને સદા મારી સમક્ષ રાખ્યા છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.
- 9 તેથી મારું હૃદય આનંદમાં છે; મારો આત્મા હર્ષ પામે છે; ચોક્કસ હું સહીસલામત રહીશ.
- 10 કારણ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; તમે તમારા પવિત્રને કહોવાણ જોવા દેશો નહિ.
- 11 તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.