시편 1편 구자라트 IRV

  1. 1 જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે.
  2. 2 યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે.
  3. 3 તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી, તે જે કંઈ કરે છે તે સફળ થાય છે.
  4. 4 દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે.
  5. 5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
  6. 6 કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.