시편 25편 구자라트 IRV
- 1 હે યહોવાહ, હું તમારામાં મારું અંતઃકરણ લગાડું છું!
- 2 હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું. મને અપમાનિત ન થવા દો; મારા શત્રુઓને મારા પર વિજય મેળવીને આનંદિત થવા ન દો.
- 3 જેઓ તમારામાં આશા રાખે છે તેઓમાંનો કોઈ શરમાશે નહિ, પણ જેઓ વગર કારણે કપટ કરે છે તેઓ બદનામ થશે!
- 4 હે યહોવાહ, મને તમારા માર્ગ બતાવો; તમારા રસ્તા વિષે મને શીખવો.
- 5 તમારા સત્યમાં મને દોરો અને મને શીખવો, કેમ કે તમે મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર છો; હું આખો દિવસ તમારામાં આશા રાખું છું.
- 6 હે યહોવાહ, તમારી કૃપા તથા તમારા વાત્સલ્યનું સ્મરણ કરો; કારણ કે તેઓ હંમેશાં સનાતન છે.
- 7 મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો; હે યહોવાહ, તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો!
- 8 યહોવાહ ઉત્તમ અને ન્યાયી છે; તેથી તે પાપીઓને સાચા માર્ગ વિષે શીખવશે.
- 9 તે નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે અને તે તેઓને તેઓના માર્ગે ચાલવાનું શીખવશે.
- 10 જેઓ તેમનો કરાર તથા તેમના સાક્ષ્યો પાળે છે, તેઓને માટે યહોવાહના સર્વ માર્ગો કૃપા તથા સત્યતાથી ભરેલા છે.
- 11 હે યહોવાહ, તમારા નામની ખાતર, મારા પાપની ક્ષમા કરો, કેમ કે તે ઘણા છે.
- 12 યહોવાહથી બીહે એવું માણસ કયું છે? કયો માર્ગ પસંદ કરવો તે તેને પ્રભુ શીખવે છે.
- 13 તેનો જીવ સુખમાં રહેશે; અને તેના વંશજો દેશનો વારસો પામશે.
- 14 યહોવાહનો મર્મ તેમના ભક્તોની પાસે છે અને તેઓને તે પોતાનો કરાર જણાવે છે.
- 15 મારી દ્રષ્ટિ સદા યહોવાહ તરફ છે, કારણ કે તે મારા પગને જાળમાંથી મુક્ત કરશે.
- 16 તમે મારી તરફ ફરો અને મારા પર દયા કરો; કેમ કે હું નિરાશ્રિત અને દુ:ખી છું.
- 17 મારા મનનું દુઃખ વધી ગયું છે; તમે મને મારા સંકટમાંથી છોડાવો.
- 18 મારાં દુ:ખ તથા વેદના પર નજર કરો; મારાં સર્વ પાપની ક્ષમા કરો.
- 19 મારા શત્રુઓને જુઓ, કેમ કે તેઓ ઘણા છે; તેઓ કેટલી ક્રૂરતાથી મારી ઘૃણા કરે છે.
- 20 મારા જીવનું રક્ષણ કરો અને મને છોડાવો; મારી લાજ જવા દેતા નહિ, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
- 21 પ્રામાણિકપણું તથા ન્યાયીપણું મારું રક્ષણ કરો, કારણ કે હું તમારા પર આશા રાખું છું.
- 22 હે ઈશ્વર, ઇઝરાયલને તેનાં સર્વ સંકટોમાંથી છોડાવો.