시편 27편 구자라트 IRV
- 1 યહોવાહ મારા ઉદ્ધારનાર તથા પ્રકાશ છે; હું કોનાથી બીહું? યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનો ભય લાગે?
- 2 જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે, ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે.
- 3 જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ; જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ.
- 4 યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
- 5 કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે; તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે. તે મને ખડક પર ચઢાવશે!
- 6 પછી મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશે અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અર્પણ ચઢાવીશ! હું ગાઈશ અને યહોવાહનાં સ્તોત્રો ગાઈશ!
- 7 હે યહોવાહ, જ્યારે હું વિનંતી કરું, ત્યારે તે સાંભળો! મારા પર દયા કરીને મને ઉત્તર આપો!
- 8 મારું હૃદય તમારા વિષે કહે છે કે, “તેમનું મુખ શોધો!” હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ!
- 9 તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ; કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ! તમે મારા સહાયકારી થયા છો; હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો!
- 10 જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે, તોપણ યહોવાહ મને સંભાળશે.
- 11 હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો! મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગે દોરી જાઓ.
- 12 મને મારા શત્રુઓના હાથમાં ન સોંપો, કારણ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા મારી વિરુદ્ધ ઊઠ્યા છે!
- 13 આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત!
- 14 યહોવાહની રાહ જો; બળવાન થા અને હિંમત રાખ! હા, યહોવાહની રાહ જો!