시편 29편 구자라트 IRV
- 1 હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો; ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
- 2 યહોવાહના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો.
- 3 યહોવાહનો સાદ સાગરો પર ગાજે છે; ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે.
- 4 યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.
- 5 યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
- 6 તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સીર્યોનને કુદાવે છે.
- 7 યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે.
- 8 યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે.
- 9 યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે; ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!”
- 10 યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
- 11 યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.