시편 33편 구자라트 IRV
- 1 હે ન્યાયી લોકો, યહોવાહમાં આનંદ કરો; યથાર્થીઓ સ્તુતિ કરે તે યોગ્ય છે.
- 2 વીણા વગાડી યહોવાહની સ્તુતિ કરો; દશ તારનું વાજિંત્ર વગાડીને તેમનાં સ્તોત્ર ગાઓ.
- 3 તેમની આગળ નવું ગીત ગાઓ; વાજિંત્રોને કુશળતાથી અને આનંદથી વગાડો.
- 4 કેમ કે યહોવાહનો શબ્દ યથાર્થ છે અને તેમણે કરેલાં સર્વ કામો વિશ્વાસયોગ્ય છે.
- 5 તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે. પૃથ્વી યહોવાહની કૃપાથી ભરાઈ ગઈ છે.
- 6 યહોવાહના શબ્દ વડે આકાશો ઉત્પન્ન થયાં અને તેમના મુખના શ્વાસ વડે આકાશના સર્વ તારાઓની રચના થઈ.
- 7 તેઓ સમુદ્રનાં પાણીને મશકની માફક ભેગાં કરે છે; તેના અતિશય ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે.
- 8 સમગ્ર પૃથ્વી યહોવાહની બીક રાખે; દુનિયાના સર્વ રહેવાસીઓ તેમનો ભય રાખો.
- 9 કારણ કે તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઈ; તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઈ.
- 10 યહોવાહ વિદેશીઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે; તે લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
- 11 યહોવાહની યોજનાઓ સદાકાળ ટકે છે, તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
- 12 જે પ્રજાના ઈશ્વર યહોવાહ છે અને જેઓને તેમણે પોતાના વારસાને માટે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે.
- 13 યહોવાહ આકાશમાંથી જુએ છે; તે સર્વ મનુષ્યપુત્રો પર નજર રાખે છે.
- 14 પોતાના નિવાસસ્થાનમાંથી તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે.
- 15 તે સર્વના હૃદયના સરજનહાર છે અને તેઓ જે કાંઈ કરે છે તે તે ધ્યાનમાં રાખે છે.
- 16 મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી; મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી શકતો નથી.
- 17 યુદ્ધમાં વિજય માટે ઘોડાઓ પર આધાર રાખવો તે વ્યર્થ છે; તેઓ પોતાના બહુ બળથી કોઈને ઉગારી શકતા નથી.
- 18 જુઓ, જેઓ યહોવાહનો ભય રાખે છે અને તેમના કરારના વિશ્વાસુપણામાં રહે છે, તેઓ પર તેમની નજર રહે છે.
- 19 જેથી તે તેઓના જીવને મૃત્યુથી બચાવે અને દુકાળ સમયે તેઓને જીવતાં રાખે.
- 20 અમે યહોવાહની રાહ જોઈ; તે આપણી સહાય તથા આપણી ઢાલ છે.
- 21 અમારાં હૃદયો તેમનામાં આનંદ માને છે, કેમ કે અમે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે.
- 22 હે યહોવાહ, અમે તમારા પર આશા રાખી છે તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ.