시편 46편 구자라트 IRV

  1. 1 ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે.
  2. 2 માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ.
  3. 3 જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. સેલાહ.
  4. 4 ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે.
  5. 5 ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે.
  6. 6 વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં; તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ.
  7. 7 આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. સેલાહ.
  8. 8 આવો યહોવાહનાં પરાક્રમો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ.
  9. 9 તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે; રથોને અગ્નિથી બાળી નાખે છે.
  10. 10 લડાઈ બંધ કરો અને જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ.
  11. 11 સૈન્યોના યહોવાહ આપણી સાથે છે; યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. સેલાહ.