시편 55편 구자라트 IRV
- 1 હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળવાને તમારા કાન ધરો; અને મારી વિનંતિ સાંભળવાથી સંતાઈ ન જાઓ.
- 2 મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપો; હું શોકને કારણે અશાંત છું અને વિલાપ કરું છું.
- 3 દુશ્મનોના અવાજને લીધે અને દુષ્ટોના જુલમને લીધે, હું વિલાપ કરું છું; કેમ કે તેઓ મારા પર અન્યાય કરવાનો દોષ મૂકે છે અને ક્રોધથી મને સતાવે છે.
- 4 મારા હૃદયમાં મને ઘણી વેદના થાય છે અને મૃત્યુનો ભય મારા પર આવી પડ્યો છે.
- 5 મને ત્રાસથી ધ્રૂજારી આવે છે અને ભયથી ઘેરાયેલો છું.
- 6 મેં કહ્યું, “જો મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું! તો હું દૂર ઊડી જઈને વિશ્રામ લેત.
- 7 હું અરણ્યમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત. સેલાહ
- 8 પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને ઉતાવળે આશ્રયસ્થાને જઈ પહોંચત.”
- 9 હે પ્રભુ, તેઓનો નાશ કરો અને તેઓની ભાષાઓ બદલી નાખો, કેમ કે મેં નગરમાં બળાત્કાર તથા ઝઘડા જોયા છે.
- 10 તેઓ રાતદિવસ તેના કોટ પર આંટા મારે છે; અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે.
- 11 તેની વચ્ચે બૂરાઈ છે; જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી.
- 12 કેમ કે મને જે ઠપકો આપનારો હતો તે મારો શત્રુ ન હતો, એ તો મારાથી સહન કરી શકાત; મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે મારો શત્રુ ન હતો, એવાથી તો હું સંતાઈ રહી શકત.
- 13 પણ તે તું જ છે, તું જે મારા સરખો, મારો સાથી અને મારો ખાસ મિત્ર.
- 14 આપણે એકબીજાની સાથે મીઠી સંગત કરતા હતા; આપણે જનસમુદાય સાથે ઈશ્વરના ઘરમાં જતા હતા.
- 15 એકાએક તેમના પર મોત આવી પડો; તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો, કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે.
- 16 હું તો ઈશ્વરને પોકાર કરીશ અને યહોવાહ મારો બચાવ કરશે.
- 17 હું મારા દુ:ખમાં સવારે, બપોરે અને સાંજે ઈશ્વરને ફરિયાદ કરીશ અને તે મારો અવાજ સાંભળશે.
- 18 કોઈ મારી પાસે આવે નહિ, માટે તેમણે છોડાવીને મારા આત્માને શાંતિ આપી છે કેમ કે મારી સામે લડનારા ઘણા છે.
- 19 ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે, તે તેઓને સાંભળશે અને જવાબ આપશે. સેલાહ જે માણસોમાં કંઈ ફેરફાર થતો નથી; તેઓ ઈશ્વરથી બીતા નથી.
- 20 મારા મિત્રો કે જેઓ તેની સાથે સમાધાન રાખતા હતા તેણે તેમના પર હાથ ઉગામ્યો છે; તેણે પોતાનો કરેલો કરાર તોડ્યો છે.
- 21 તેના મુખના શબ્દો માખણ જેવા સુંવાળા છે, પણ તેનું હૃદય યુદ્ધના વિચારોથી ભરેલું છે; તેના શબ્દો તેલ કરતાં વધારે મુલાયમ છે, પણ તે શબ્દો ખરેખર તલવારની જેમ કાપે છે.
- 22 તમારી ચિંતાઓ યહોવાહને સોંપી દો અને તે તમને નિભાવી રાખશે; તે ક્યારેય ન્યાયી વ્યક્તિને પરાજિત થવા દેતા નથી.
- 23 પણ, હે ઈશ્વર, તમે મારા શત્રુઓને વિનાશની ખાઈમાં ધકેલી દો છો; ખૂની કે કપટી પોતાનું અડધું આયુષ્ય પણ ભોગવી નથી શકતા, પણ હું તો તમારા પર ભરોસો રાખીશ.