시편 66편 구자라트 IRV
- 1 હે સર્વ પૃથ્વીના રહેવાસી, ઈશ્વરની આગળ હર્ષનાં ગીત ગાઓ;
- 2 તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
- 3 ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.
- 4 આખી પૃથ્વી તમારી સ્તુતિ કરશે અને તે તમારી આગળ ગાયન કરશે; તેઓ તમારા નામનું સ્તવન કરશે.” સેલાહ
- 5 આવો અને ઈશ્વરનાં કૃત્યો જુઓ; માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર છે.
- 6 તે સમુદ્રને સૂકવી નાખે છે; તેઓ પગે ચાલીને નદીને સામે કિનારે ગયા; ત્યાં આપણે તેમનામાં આનંદ કર્યો હતો.
- 7 તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે; તેમની આંખો દેશોને જુએ છે; બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય. સેલાહ
- 8 હે લોકો, આપણા ઈશ્વરને, ધન્યવાદ આપો અને તેમનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
- 9 તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે અને આપણા પગને લપસી જવા દેતા નથી.
- 10 કેમ કે, હે ઈશ્વર, તમે અમારી કસોટી કરી છે; જેમ ચાંદી કસાય છે તેમ તમે અમને કસ્યા છે.
- 11 તમે અમને તમારી જાળમાં પકડ્યા છે; તમે અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
- 12 તમે અમારાં માથાં પર માણસો પાસે સવારી કરાવી; અમારે અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું, પણ તમે અમને બહાર લાવીને સમૃદ્ધિવાન જગ્યાએ પહોંચાડ્યા.
- 13 દહનીયાર્પણો લઈને હું તમારા ઘરમાં આવીશ; હું તમારી સંમુખ મારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીશ.
- 14 હું જ્યારે સંકટમાં હતો, ત્યારે મારા મુખે હું જે બોલ્યો અને મારા હોઠોએ જે વચન આપ્યું હતું, તે હું પૂરું કરીશ.
- 15 પુષ્ટ જાનવરનાં દહનીયાર્પણો ઘેટાંના ધૂપ સાથે હું તમારી આગળ ચઢાવીશ; હું બળદો તથા બકરાં ચઢાવીશ. સેલાહ
- 16 હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ આવો અને સાંભળો અને તેમણે મારા આત્માને માટે જે કઈ કર્યું તે હું કહી સંભળાવીશ.
- 17 મેં મારા મુખે તેમને અરજ કરી અને મારી જીભે તેમનું સ્તવન કર્યું.
- 18 જો હું મારા હૃદયમાં દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું, તો પ્રભુ મારું સાંભળે જ નહિ.
- 19 પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે; તેમણે મારી પ્રાર્થના પર ધ્યાન આપ્યું છે.
- 20 ઈશ્વરની સ્તુતિ હો, જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી.