시편 72편 구자라트 IRV
- 1 હે ઈશ્વર, તમે રાજાને ન્યાય કરવાનો અધિકાર આપો, રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો.
- 2 તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનસાફ કરશે.
- 3 પર્વતો લોકોને શાંતિ આપો; ડુંગરો ન્યાયીપણું આપો.
- 4 તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે; તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે અને જુલમગારને છૂંદી નાખશે.
- 5 સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી તેઓ પેઢી દરપેઢી તમારી બીક રાખશે.
- 6 જેમ કાપેલા ઘાસ પર વરસાદ વરસે છે, અને જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે.
- 7 તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી પુષ્કળ શાંતિ રહેશે.
- 8 વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી તે પૃથ્વીના છેડા સુધી રાજ કરશે.
- 9 જેઓ અરણ્યમાં રહે છે, તેઓ તેમની આગળ નમશે; તેમના શત્રુઓ ધૂળ ચાટશે.
- 10 તાર્શીશના રાજાઓ અને દરિયાકિનારાનાં રાજાઓ ખંડણી આપશે; શેબા તથા સબાના રાજાઓ નજરાણાં કરશે.
- 11 સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે; સર્વ દેશનાઓ તેમની સેવા કરશે.
- 12 કારણ કે દરિદ્રી પોકાર કરે, ત્યારે તે તેને સહાય કરશે અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે.
- 13 તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે અને દરિદ્રીઓના આત્માનો બચાવ કરશે.
- 14 તે તેઓના આત્માઓને જુલમ તથા બળાત્કારથી છોડાવશે અને તેમની દ્રષ્ટિમાં તેઓનું લોહી મૂલ્યવાન થશે.
- 15 રાજા જીવશે! તેમને શેબાનું સોનું આપવામાં આવશે. લોકો તેના માટે નિત્ય પ્રાર્થના કરશે; ઈશ્વર તેમને આખો દિવસ આશીર્વાદ આપશે.
- 16 દેશમાં પર્વતોનાં શિખરો પર પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં ઝૂલશે અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે.
- 17 રાજાનું નામ સર્વદા રહેશે; સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; તેમનામાં લોકો આશીર્વાદ પામશે. સર્વ દેશનાઓ તેમની સ્તુતિ કરશે.
- 18 યહોવાહ ઈશ્વરની, ઇઝરાયલના ઈશ્વરની, સ્તુતિ થાઓ, એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે.
- 19 સર્વકાળ માટે તેમના ગૌરવી નામને પ્રશંસા હોજો અને આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન તથા આમીન.
- 20 યિશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ પૂર્ણ થઈ છે.