시편 81편 구자라트 IRV
- 1 ઈશ્વર જે આપણું સામર્થ્ય છે, તેમની સમક્ષ મોટેથી ગાઓ; યાકૂબના ઈશ્વર સમક્ષ હર્ષનાદ કરો.
- 2 ગીત ગાઓ અને ઢોલક વગાડો, સિતાર અને મધુર વીણા સાથે વગાડો.
- 3 ચંદ્રદર્શન તેમ જ પૂનમના દિવસે એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.
- 4 કેમ કે એમ કરવું એ ઇઝરાયલને માટે વિધિ છે, તે યાકૂબના ઈશ્વરનો હુકમ છે.
- 5 જ્યારે તે મિસર દેશની સામે નીકળ્યા ત્યારે તેમણે યૂસફમાં એ સાક્ષી ઠરાવી; હું ઓળખતો નહોતો એવાની વાણી મેં ત્યાં સાંભળી,
- 6 “મેં તમારા ખભાનો ભાર ઉતાર્યો; તેના હાથ વજનદાર ટોપલાથી મુક્ત થયા.
- 7 સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યા; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુત્તર આપ્યો. મરીબાહનાં પાણી આગળ મેં તારી પરીક્ષા કરી. સેલાહ.
- 8 હે મારા લોકો, સાંભળો, કેમ કે આ મારી ચેતવણી છે, હે ઇઝરાયલ, જો તમે મારું સાંભળો, તો કેવું સારું!
- 9 તારામાં કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ; તું કોઈ પારકા દેવની પૂજા કરીશ નહિ.
- 10 તને મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવાહ હું છું. તારું મુખ ઉઘાડ અને હું તેને ભરી દઈશ.
- 11 પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; ઇઝરાયલે મારો આદર કર્યો નહિ.
- 12 તેથી મેં તેઓને તેઓનાં હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે જેથી તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.
- 13 મારા લોકો મારું સાંભળે અને મારા લોકો મારા માર્ગોમાં ચાલે, તો કેવું સારું!
- 14 તો હું તેઓના શત્રુઓને પરાજિત કરું અને તેઓના વૈરીઓ વિરુદ્ધ મારો હાથ ઉપાડું.
- 15 જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે! તેઓનું અપમાન સદાને માટે રહેશે.
- 16 હું શ્રેષ્ઠ ઘઉંથી તેઓને તૃપ્ત કરીશ; ખડકમાંના મધથી હું તને સંતોષ પમાડીશ.”