시편 83편 구자라트 IRV
- 1 હે ઈશ્વર, તમે છાના ન રહો! હે ઈશ્વર, અમારી અવગણના ના કરશો અને સ્થિર રહો.
- 2 જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે અને જેઓ તમને ધિક્કારે છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
- 3 તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
- 4 તેઓએ કહ્યું છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ. જેથી ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી કદી રહે નહિ.”
- 5 તેઓએ એકસાથે મસલત કરી છે; તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
- 6 તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
- 7 ગબાલ, આમ્મોન, અમાલેક; તૂર દેશના લોકો અને પલિસ્તીઓ પણ કરાર કરે છે.
- 8 તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે; તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. સેલાહ
- 9 તમે જે મિદ્યાન સાથે કર્યું, જેમ કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે કર્યું, તેમ તેઓની સાથે કરો.
- 10 એન-દોરમાં તેઓ નાશ પામ્યા અને ભૂમિના ખાતર જેવા થઈ ગયા.
- 11 તેઓના સરદારોને ઓરેબ તથા ઝએબના જેવા અને તેઓના સર્વ રાજકુમારોને ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા કરો.
- 12 તેઓએ કહ્યું, “ચાલો આપણે પોતાને માટે ઈશ્વરના નિવાસસ્થાનને પ્રાપ્ત કરીએ.”
- 13 હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા, પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
- 14 જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
- 15 તમારા વંટોળિયાઓથી અને તમારા તોફાનોથી તેમનો પીછો કરો અને તેમને ત્રાસ પમાડો.
- 16 બદનામીથી તેઓ પોતાનાં મુખ સંતાડે કે જેથી, હે યહોવાહ, તેઓ તમારું નામ શોધે.
- 17 તેઓ હંમેશા લજ્જિત થાઓ અને ગૂંચવાઈ જાઓ; તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
- 18 જેથી તેઓ જાણે કે તમે એકલા જ યહોવાહ છો, તમે એકલા જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.