시편 86편 구자라트 IRV
- 1 હે યહોવાહ, સાંભળીને મને ઉત્તર આપો, કારણ કે હું દીન તથા દરિદ્રી છું.
- 2 મારું રક્ષણ કરો, કેમ કે હું વફાદાર છું; હે મારા ઈશ્વર, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો.
- 3 હે પ્રભુ, મારા પર દયા કરો, કારણ કે આખો દિવસ હું તમને અરજ કરું છું.
- 4 તમારા સેવકને આનંદ આપો, કેમ કે, હે પ્રભુ, હું તમારા પર મારું અંતઃકરણ લગાડું છું.
- 5 હે પ્રભુ, તમે ઉત્તમ અને ક્ષમા કરનાર છો અને સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે ઘણા કૃપાળુ છો.
- 6 હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતી સાંભળો.
- 7 મારા સંકટના સમયે હું તમને પોકાર કરીશ, કેમ કે તમે મને ઉત્તર આપશો.
- 8 હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી. તમારા જેવા પરાક્રમો કોઈનાં નથી.
- 9 હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ નમશે. તેઓ તમારા નામનો મહિમા ગાશે.
- 10 કારણ કે તમે મહાન છો અને અદ્દભુત કાર્યો કરનાર છો; તમે જ એકલા ઈશ્વર છો.
- 11 હે યહોવાહ, તમે તમારા માર્ગ શીખવો. પછી હું તમારા સત્ય માર્ગ પર ચાલીશ. તમારો આદર કરવાને મારા હૃદયને એકાગ્ર કરો.
- 12 હે પ્રભુ, મારા ઈશ્વર, મારા પૂરા હૃદયથી હું તમારી સ્તુતિ કરીશ; હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
- 13 કારણ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
- 14 હે ઈશ્વર, ઘમંડી માણસો મારી સામા ઊઠ્યા છે. અને ક્રૂર માણસો મારો સંહાર કરવા માટે મારી પાછળ પડ્યા છે. તેઓ તમારું સન્માન કરતા નથી.
- 15 પણ, હે પ્રભુ, તમે તો દયાથી તથા કરુણાથી ભરપૂર, ક્રોધ કરવામાં ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા ઈશ્વર છો.
- 16 મારી તરફ ફરો અને મારા પર દયા કરો; તમારા આ દાસને તમારું સામર્થ્ય આપો; તમારી દાસીના દીકરાને બચાવો.
- 17 તમારી ભલાઈનું ચિહ્ન મને આપો. પછી જેઓ મને ધિક્કારે છે તેઓ જોઈને શરમાઈ જશે કેમ કે, હે યહોવાહ, તમે મને મદદ કરી છે અને દિલાસો આપ્યો છે.