시편 90편 구자라트 IRV
- 1 હે ઈશ્વર, પેઢી દરપેઢી તમે અમારું નિવાસસ્થાન થયા છો.
- 2 પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.
- 3 તમે મનુષ્યોને ધૂળમાં પાછા મેળવી દો છો અને તમે કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો.”
- 4 કારણ કે તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે અને રાતના એક પહોર જેવાં છે.
- 5 તમે તેઓને પૂરની જેમ તાણી જાઓ છો અને તેઓ નિંદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.
- 6 તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે.
- 7 ખરેખર, તમારા કોપથી અમારો નાશ થાય છે અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
- 8 તમે અમારા અન્યાય તમારી સમક્ષ, અમારાં ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂક્યાં છે.
- 9 તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે; નિસાસાની જેમ અમે અમારા વર્ષો પૂરાં કરીએ છીએ.
- 10 અમારી ઉંમરના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય; પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુ:ખમાત્ર છે. હા, તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમે ઊડી જઈએ છીએ.
- 11 તમારા ક્રોધના બળને તથા તમારો રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે?
- 12 તમે અમને અમારું જીવન એવી રીતે ગણવાને શીખવો કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય.
- 13 હે યહોવાહ, પાછા આવો; ક્યાં સુધી? તમારા સેવકો પર કરુણા કરો.
- 14 સવારે અમને તમારી કૃપાથી ભરી દો, કે જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ.
- 15 જે દિવસોમાં તમે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો.
- 16 તમારા સેવકોને તમારાં કૃત્યો અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ.
- 17 અમારા પર અમારા પ્રભુ ઈશ્વરની કૃપા થાઓ; તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો.