출애굽기 24장 구자라트 IRV
- 1 યહોવાહે મૂસાને કહ્યું, “તું અને હારુન, નાદાબ તથા અબીહૂ તેમ જ ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર મારી સમક્ષ આવો; અને થોડે દૂર રહીને મારું ભજન કરો.
- 2 પછી મૂસા તું એકલો મારી પાસે આવજે, અન્ય કોઈ ન આવે. અને લોકો તો તારી સાથે ઉપર આવે જ નહિ.”
- 3 ત્યારબાદ મૂસાએ આવીને લોકોને યહોવાહના બધા વચનો અને બધી આજ્ઞાઓ કહી સંભળાવી. પછી બધા લોકો એકી અવાજે બોલી ઊઠયા, “યહોવાહ એ જે બધી વાતો કહી છે તે બધાનું પાલન અમે કરીશું.
- 4 પછી મૂસાએ યહોવાહનાં બધા આદેશો લખી નાખ્યા અને સવારમાં વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી અને ઇઝરાયલના બાર કુળસમૂહ પ્રમાણે બાર સ્તંભ બાંધ્યા.”
- 5 પછી તેણે કેટલાક ઇઝરાયલી નવયુવાનોને યજ્ઞો અર્પવા મોકલ્યા. અને તેઓએ યહોવાહને દહનીયાર્પણ અને શાંત્યર્પણ તરીકે બળદોનું અર્પણ કર્યું.
- 6 અને મૂસાએ યજ્ઞનું અડધું રક્ત એક વાસણમાં રાખ્યું અને અડધું રક્ત તેણે વેદી પર છાંટ્યું.
- 7 પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, “યહોવાહે જે જે કહ્યું છે તે બધું અમે માથે ચઢાવીશું અને તે પ્રમાણે કરીશું.”
- 8 પછી મૂસાએ વાસણમાંથી રક્ત લઈને લોકો પર છાંટ્યું અને કહ્યું, “આ પુસ્તકમાં લખેલાં વચનો પ્રમાણે યહોવાહે તમારી સાથે જે કરાર કર્યો છે, તેને પાકો કરનાર આ રક્ત છે.”
- 9 તે પછી મૂસા, હારુન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલીઓના સિત્તેર વડીલોને સાથે લઈને તે ઉપર ગયો.
- 10 ત્યાં તેઓએ ઇઝરાયલના ઈશ્વરનું દર્શન કર્યું અને ઈશ્વરના પગ નીચે જાણે નીલમના જેવી ફરસબંધી હતી. તે સ્વચ્છ આકાશના જેવી હતી.
- 11 ઇઝરાયલના બધા આગેવાનોએ યહોવાહને જોયાં. પણ યહોવાહે તેઓનો નાશ ન કર્યો. તેઓ બધાએ સાથે ખાધું અને પીધું.
- 12 યહોવાહે મૂસાને કહ્યું, “તું મારી પાસે પર્વત પર આવ અને ત્યાં રહે; અને મેં જે શિલાપાટીઓ ઉપર નિયમો અને આજ્ઞાઓ લખ્યાં છે, તે હું તને આપીશ જેથી તું લોકોને સમજાવી શકે.”
- 13 આથી મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઊઠ્યા. અને મૂસા યહોવાહના પર્વત પર ગયો.
- 14 જતાં જતાં તેણે વડીલોને કહ્યું, “અમે તમારી પાસે પાછા આવીએ, ત્યાં સુધી તમે અહી અમારી રાહ જોજો. અને જુઓ, હારુન અને હૂર તમારી સાથે છે; જો કોઈને કંઈ તકરાર હોય તો તેઓની પાસે જાય.”
- 15 પછી મૂસા પર્વત પર ચઢયો અને વાદળોએ પર્વતને ઢાંકી દીધો.
- 16 યહોવાહનું ગૌરવ સિનાઈ પર્વત પર ઊતર્યુ. અને છ દિવસ સુધી વાદળોએ પર્વતને ઢાંકી રાખ્યો. અને સાતમે દિવસે યહોવાહે વાદળમાંથી હાંક મારીને મૂસાને બોલાવ્યો.
- 17 અને યહોવાહનું ગૌરવ ઇઝરાયલીઓને પર્વતની ટોચે પ્રચંડ અગ્નિ જેવું દેખાયું.
- 18 અને મૂસા વાદળમાં પ્રવેશ કરીને પર્વત પર ગયો; અને તે ચાળીસ દિવસ અને ચાળીસ રાત પર્યંત એ પર્વત પર રહ્યો.