출애굽기 26장 구자라트 IRV
- 1 વળી તું દશ પડદાનો મંડપ બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના અને નિપુણ વણકરોના વણેલા વસ્ત્રના અને ભૂરા, કિરમજી તથા જાંબલી પડદા તૈયાર કરજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરુબો ભરાવજે.
- 2 પ્રત્યેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય; બધા જ પડદા એક સરખા માપના હોય.
- 3 પાંચ પડદા એકબીજા સાથે જોડાય અને બીજા પાંચ પડદા પણ એકબીજા સાથે જોડાય.
- 4 પહેલા સમૂહના પડદા પર જાંબુડિયા રંગના વસ્ત્રનાં નાકાં મૂકાવજે. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એવું જ કરજે.
- 5 પહેલા સમૂહના પડદામાં તું પચાસ નાકાં બનાવજે અને બીજા સમૂહના પડદામાં પચાસ નાકાં બનાવજે તે નાકાં એકબીજાની સામસામાં આવવાં જોઈએ.
- 6 પછી સોનાની પચાસ કડીઓ બનાવજે અને તેઓ વડે તું પડદાને એકબીજા સાથે જોડી દેજે. એટલે એક આખો મંડપ બનશે.
- 7 આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માટે તું બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદા તૈયાર કરજે.
- 8 એ અગિયાર પડદા એક સરખા માપના હોવા જોઈએ. દરેક પડદો ત્રીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય.
- 9 એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને સળંગ એક પડદો બનાવજે. બાકીના છ પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવજે. એમાંનો છઠ્ઠો પડદો તંબુના પ્રવેશદ્વાર ઉપર બેવડો વાળજે.
- 10 અને સમૂહનો જે છેલ્લો પડદો છે તેની બાજુએ પચાસ નાકાં અને બીજા પડદાની બાજુએ પચાસ નાકાં બનાવજે.
- 11 અને પિત્તળની પચાસ કડીઓ બનાવજે અને તેને પેલા નાકાંમાં પરોવી બન્ને પડદાને જોડી દઈને એક સળંગ તંબુ બનાવજે.
- 12 અને તંબુ પરથી વધારાનો લટકતો રહેતો ભાગ મંડપના પાછલા ભાગ પર લટકતો રાખજે.
- 13 તંબુની બન્ને બાજુએ પડદાઓ તંબુના છેડેથી એક હાથ નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર મંડપને સંપૂર્ણ રીતે આચ્છાદન કરશે.
- 14 તંબુ માટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનું બીજું આચ્છાદન બનાવજે અને તેના પર ઢાંકવા માટે મુલાયમ ચામડાનું આચ્છાદન બનાવજે.
- 15 પવિત્રમંડપના ટેકા માટે તું બાવળનાં પાટિયાં બનાવીને ઊભા મૂકજે.
- 16 પ્રત્યેક પાટિયું દસ હાથ લાંબું અને દોઢ હાથ પહોળું હોય.
- 17 પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલાં બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ.
- 18 પવિત્ર મંડપની દક્ષિણની બાજુ માટે વીસ પાટિયાં બનાવજે.
- 19 અને પ્રત્યેક પાટિયાનાં બે સાલને બેસાડવા માટે તેની નીચે બે કૂંભી એમ ચાંદીની કુલ ચાલીસ કૂંભીઓ બનાવજે.
- 20 એ જ પ્રમાણે મંડપની ઉત્તરની બાજુ માટે પણ વીસ પાટિયાં,
- 21 ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવજે, જેથી દરેક પાટિયાં નીચે બબ્બે કૂંભી આવે.
- 22 મુલાકાતમંડપની પશ્ચિમ તરફના પાછળના ભાગ માટે છ પાટિયાં બનાવજે.
- 23 અને મંડપના પાછળના ભાગના બે ખૂણાને માટે તું બે પાટિયાં બનાવજે.
- 24 આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને છેક ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખૂણાઓમાં એમ કરવું. બે ખૂણા માટેનાં બે પાટિયાં આ રીતે બનાવજે એટલે બે ખૂણા બની જશે.
- 25 આમ, આઠ પાટિયાં અને ચાંદીની સોળ કૂંભી થશે. પ્રત્યેક પાટિયાં નીચે બબ્બે કૂંભીઓ રાખજે.
- 26 વળી તું બાવળના લાકડાની આડી વળીઓ બનાવજે. પવિત્ર મંડપની એક બાજુનાં પાટિયાને માટે પાંચ ભૂંગળો બનાવજે.
- 27 પવિત્ર મંડપની બીજી બાજુનાં પાટિયાં માટે પાંચ ભૂંગળો, તેમ જ પશ્ચિમ તરફથી પાછલી બાજુ માટે પાંચ ભૂંગળો.
- 28 વચલી વળી પાટિયાની વચ્ચે તંબુના એક છેડાથી બીજા છેડા સુધી આવે.
- 29 વળી પાટિયાંને સોનાથી મઢાવજે અને રીંગને ભેરવવા માટે તેમાં સોનાનાં કડાં બેસાડવાં અને રીંગને પણ તું સોનાથી મઢાવજે.
- 30 તને પવિત્ર મંડપનો જે નમૂનો મેં પર્વત પર બતાવ્યો છે તે પ્રમાણે તું પવિત્ર મંડપ ઊભો કરજે.
- 31 તું ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો એક ખાસ પડદો તંબુમાં ભાગ પાડવા માટે બનાવજે. એના ઉપર જરી વડે કલામય રીતે કરુબોની આકૃતિઓ ભરાવજે.
- 32 અને તું તેને સોનાથી મઢેલા બાવળના ચાર સ્તંભ પર લટકાવજે, તેઓને સોનાની આંકડીઓ અને તેઓની કૂંભીઓ ચાંદીની હોઈ.
- 33 એ આંકડીઓ નીચે તું પડદો લટકાવજે. અને કરારનો તકતીઓવાળો કરારકોશ એ પડદા પાછળ મૂકજે. એ પડદો પવિત્રસ્થાનને પરમ પવિત્રસ્થાનથી જુદું પાડશે.
- 34 પરમ પવિત્રસ્થાનમાં કરારકોશ પર આચ્છાદન કરજે.
- 35 પવિત્ર જગ્યાની અંદર પડદાની પેલી બાજુએ જે ખાસ મેજ બનાવ્યું છે તે મૂકજે અને તેને તંબુની ઉત્તર બાજુએ ગોઠવજે. પછી દીવીને દક્ષિણ તરફ બાજઠની સામે મૂકજે.
- 36 વળી, તું પવિત્ર મંડપના પ્રવેશદ્વાર માટે ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો જરી વડે સુંદર ભરતકામ કરેલો પડદો બનાવજે.
- 37 અને એ પડદા માટે બાવળના લાકડાની સોનાથી મઢેલી અને સોનાની કડીવાળી પાંચ થાંભલી બનાવજે અને એ થાંભલીઓ માટે પિત્તળની ઢાળેલી પાંચ કૂંભીઓ બનાવજે.