출애굽기 30장 구자라트 IRV
- 1 ધૂપ બાળવા માટે તારે બાવળના લાકડાની એક વેદી બનાવવી.
- 2 આ વેદી એક હાથ લાંબી, એક હાથ પહોળી અને બે હાથ ઊંચી હોય. તેનાં લાકડામાંથી જ કોતરીને તેના શિંગ બનાવવાં. શિંગ જુદાં બનાવીને વેદી પર જોડવાં નહિ. તે શિંગ વેદી સાથે સળંગ હોય.
- 3 વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી.
- 4 એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં.
- 5 એ બે દાંડા બાવળના લાકડાના બનાવવા અને સોનાથી મઢાવવા.
- 6 દશ આજ્ઞાઓ જેમાં મૂકી છે તે કરારકોશ આગળના પડદા સામે એ વેદી મૂકવી. ત્યાં હું તેઓને દર્શન આપીશ.
- 7 એ વેદી પર પ્રતિદિન સવારે બત્તી તૈયાર કરતી વખતે હારુને સુગંધી ધૂપ બાળવો.
- 8 અને રોજ સાંજે તે બત્તીઓ પ્રગટાવે ત્યારે યહોવાહની સંમુખ ધૂપ બાળવો. તારે પેઢી દર પેઢી કાયમ યહોવાહ સમક્ષ ધૂપ બાળવો.
- 9 તારે એ વેદી પર અન્ય ધૂપ બાળવો નહિ કે દહનીયાર્પણ, ખાદ્યાર્પણ કે પેયાર્પણ ચઢાવવાં નહિ.
- 10 વર્ષમાં એક વાર હારુને પ્રાયશ્ચિતને માટે પાપાર્થાર્પણનું રક્ત લઈને શિંગ ઉપર લગાડી વેદીને પવિત્ર કરવાની છે. પેઢી દર પેઢી નિયમિત રીતે આ વાર્ષિક વિધિનું પાલન કરવું, કારણ કે આ વેદી યહોવાહની પરમપવિત્ર વેદી છે.
- 11 યહોવાહે મૂસાને કહ્યું,
- 12 “તું જ્યારે ઇઝરાયલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવનાં બદલામાં યહોવાહ સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે.
- 13 વસ્તીગણતરીમાં નોંધાયેલા બધા માણસોએ યહોવાહને અડધો શેકેલ (શેકેલનો માપ વીસ ગેરહ હોય છે) અર્પણ તરીકે આપવો.
- 14 વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વર્ષના કે તેથી વધુ ઉંમરના દરેક માણસે આ પ્રમાણે અર્પણ કરવું.
- 15 મને તમારા જીવનના બદલામાં આ અર્પણ આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી.
- 16 ઇઝરાયલીઓ પાસેથી મળેલાં જીવના બદલામાં અર્પણ કરેલાં પ્રાયશ્ચિતનાં નાણાં મુલાકાતમંડપની સેવામાં ખર્ચવાં. આ અર્પણ ઇઝરાયલી લોકોને માટે યહોવાહની સમક્ષતામાં સ્મરણરૂપ થશે.”
- 17 યહોવાહે મૂસાને કહ્યું,
- 18 “હાથપગ ધોવા તારે પિત્તળના તળિયાવાળી પિત્તળની કૂડી બનાવવી. અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકીને તેમાં પાણી ભરવું.
- 19 હારુને અને તેના પુત્રોએ હાથપગ ધોવામાં એ પાણીનો ઉપયોગ કરવો.
- 20 જો તેમણે એ પાણીથી હાથપગ ધોયા હશે તો તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવા જશે અથવા અર્પણ ચઢાવવા વેદી પાસે જશે ત્યારે તેઓ મૃત્યુ પામશે નહિ.
- 21 તેઓ મૃત્યુ ન પામે તેટલાં માટે તેઓએ અચૂક હાથપગ ધોવા. આ કાનૂન તેમણે અને તેમના વંશજોએ પેઢી દર પેઢી પાળવાનો રહેશે. હારુન અને તેના પુત્રો માટે આ સૂચનાઓ છે.”
- 22 યહોવાહે મૂસાને કહ્યું,
- 23 “તારે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સુગંધીઓ લેવી, એટલે પાંચસો શેકેલ ચોખ્ખો બોળ, અઢીસો શેકેલ સુગંધીદાર તજ, અઢીસો સુગંધીદાર બરુ,
- 24 પાંચસો શેકેલ દાલચીની એ બધું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે લેવું. વળી જૈતૂનનું એક કેન તેલ લેવું.
- 25 નિષ્ણાત સુગંધીઓ બનાવનારાઓ પાસે આ સર્વ પદાર્થોનું મિશ્રણ કરીને અભિષેકનું તેલ તૈયાર કરાવવું.
- 26 અભિષેકના તેલથી તું મુલાકાતમંડપને, કરારકોશને,
- 27 બાજઠ તથા તેની બધી સામગ્રીઓને, દીવીને અને તેનાં સાધનોને, ધૂપની વેદીને,
- 28 દહનીયાર્પણની વેદીને અને તેનાં સાધનોને તથા ઘોડી સહિત હાથપગ ધોવાની કૂંડીને અભિષેક કરજે.
- 29 આ પ્રમાણે આ બધી વસ્તુઓ પવિત્ર કર એટલે તે બધી પરમપવિત્ર બની જશે. અને જે કોઈ તેમને સ્પર્શ કરશે તે પવિત્ર થશે.
- 30 ત્યાર પછી તારે હારુનને અને તેના પુત્રોનો અભિષેક કરીને મારા યાજકો તરીકે તેઓને પવિત્ર કર.
- 31 તારે ઇઝરાયલીઓને કહેવું, ‘તમારે પેઢી દર પેઢી આ મારે માટે અભિષેકનું તેલ થાય.
- 32 તે માણસોના શરીરે ન લગાડાય અને તેના જેવું બીજું તેલ તમારે બનાવવું નહિ, કેમ કે એ પવિત્ર તેલ છે અને તમારે માટે એ પવિત્ર ગણાશે.
- 33 જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે, તેને તેના સમાજમાંથી જુદો કરવામાં આવે.’”
- 34 યહોવાહે મૂસાને કહ્યું, “તારે મિષ્ટ સુગંધીઓ વાપરવી નાટાફ, શહેલેથ, હેલ્બના અને શુદ્ધ લોબાન પ્રત્યેકને સરખે ભાગે લેવાં.
- 35 તેના મિશ્રણમાંથી સુગંધી ધૂપ બનાવવો. આ ધૂપ નિષ્ણાત કારીગર બનાવતો હોય તે રીતે બનાવવો. એ ધૂપને શુદ્ધ અને પવિત્ર રાખવા તેમાં મીઠું મેળવવું.
- 36 એમાંથી થોડો ભાગ ઝીણો ખાંડીને તેનો ઉપયોગ મુલાકાતમંડપમાં કરારકોશ આગળ, જયાં હું તને દર્શન આપવાનો છું ત્યાં કરવો. તમારે આ ધૂપને અત્યંત પવિત્ર માનવો.
- 37 આ વિધિ પ્રમાણેનો જ ધૂપ બને તેવી બનાવટનો ધૂપ તમે તમારા પોતાના ઉપયોગ માટે બનાવશો નહિ. તમારે તો તેને પવિત્રવસ્તુ જ ગણવી.
- 38 તેના જેવો ધૂપ જે કોઈ સૂંઘવાને માટે બનાવે, તેને તેના સમાજમાંથી અલગ કરવામાં આવે.”