출애굽기 31장 구자라트 IRV
- 1 વળી યહોવાહે મૂસાને કહ્યું,
- 2 “જુઓ, મેં યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલને નામ લઈને બોલાવ્યો છે.
- 3 બુદ્ધિ, સમજણ, ડહાપણ તથા સર્વ પ્રકારના કળાકૌશલ્યની બાબતમાં મેં તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે.
- 4 એ માટે કે તે હોશિયારીથી નમૂનો તૈયાર કરે અને સોનામાં, ચાંદીમાં, પિત્તળમાં,
- 5 જડવાને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં અને સર્વ પ્રકારની કારીગરીમાં તે કામ કરે.
- 6 વળી તેની સાથે કામ કરવા માટે મેં દાનના કુળના અહીસામાખના દીકરા આહોલીઆબને પસંદ કર્યો છે. જે બુદ્ધિમાન છે તે સર્વનાં હૃદયોમાં મેં બુદ્ધિ મૂકી છે, એ માટે કે મેં તને જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તે સર્વ તેઓ બનાવે.
- 7 આ સાથે મુલાકાતમંડપ, કરારકોશ, તે પરનું દયાસન, મંડપનો સરસામાન;
- 8 બાજઠ અને તેનાં પરની સામગ્રી, શુદ્ધ સોનાની દીવી અને તેનાં સાધનો, ધૂપ કરવાની વેદી,
- 9 દહનીયાર્પણની વેદી અને તેનાં બધાં સાધનો, હાથપગ ધોવાની કુંડી અને તેનું તળિયું.
- 10 યાજક હારુન અને તેના પુત્રો માટે સેવા સમયે પહેરવાનાં પવિત્ર પોષાક,
- 11 અભિષેક માટેનું તેલ અને પવિત્રસ્થાનને માટે સુગંધીદાર ધૂપ; તે સર્વ સંબંધી મેં તને જે આજ્ઞાઓ આપી છે તે પ્રમાણે તેઓ કરે.”
- 12 યહોવાહે મૂસાને કહ્યું,
- 13 “ઇઝરાયલી લોકોને કહે: ‘તમે જરૂર મારા વિશ્રામવારો પાળો, કેમ કે તમારી પેઢી દરપેઢી મારી અને તમારી વચ્ચે તે ચિહ્નરૂપ છે; એ માટે કે તમે જાણો કે તમને પવિત્ર કરનાર તે હું યહોવાહ છું.
- 14 આથી તમારે વિશ્રામવારનું પાલન કરવાનું છે, કારણ કે તમારા માટે એ પવિત્ર દિવસ છે. જે કોઈ તેની પવિત્રતાનો ભંગ કરે, તેને મોતની સજા કરવી. જે કોઈ વિશ્રામવારે કામ કરે તેનો સમાજમાંથી બહિષ્કાર કરજો.
- 15 તમને છ દિવસ કામ કરવાની છૂટ છે, પણ સાતમે દિવસે યહોવાહને માટે પવિત્ર એવો સંપૂર્ણ વિશ્રામનો સાબ્બાથ છે. જે કોઈ વિશ્રામવારે કોઈ પણ કામ કરે તેને મોતની સજા કરવી.
- 16 માટે ઇઝરાયલના લોકોએ મારી અને તેઓની વચ્ચેના કરાર તરીકે વિશ્રામવાર પેઢી દર પેઢી પાળવાનો છે.
- 17 સાબ્બાથ યહોવાહ અને ઇઝરાયલી લોકોની વચ્ચે હંમેશના ચિહ્નરૂપ છે, કેમ કે યહોવાહે છ દિવસ સુધી આકાશ અને પૃથ્વીની રચના કરી અને સાતમે દિવસે તેમણે કામ બંધ રાખીને વિસામો લીધો.’”
- 18 તેમણે સિનાઈ પર્વત ઉપર મૂસાની સાથે વાતચીત પૂરી કરીને તેને બે કરારપાટી, એટલે ઈશ્વરની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ આપી.