잠언 1장 구자라트 IRV
- 1 ઇઝરાયલનો રાજા, જે દાઉદનો પુત્ર હતો, તે સુલેમાનનાં નીતિવચનો.
- 2 ડહાપણ તથા શિક્ષણ સંપાદન થાય, ડહાપણની વાતો સમજવામાં આવે,
- 3 ડહાપણભરેલી વર્તણૂકની, નેકીની, ન્યાયીપણાની અને ઇનસાફની કેળવણી મળે.
- 4 ભોળા માણસને ચતુરાઈ મળે અને જુવાનોને ડહાપણ તથા વિવેકબુદ્ધિ મળે.
- 5 જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્ધત્તાની વૃદ્ધિ કરે અને બુદ્ધિમાન માણસને માર્ગદર્શન મળે.
- 6 કહેવતો તથા અલંકારો; જ્ઞાનીઓનાં વચનો તથા તેઓના મર્મો સમજાય.
- 7 યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે. મૂર્ખો ડહાપણને તથા શિક્ષણને ધિક્કારે છે.
- 8 મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ અને તારી માતાનું શિક્ષણ તજીશ નહિ.
- 9 તેઓ તારા મસ્તકે શોભાયમાન મુગટરૂપ અને તારા ગળાના હારરૂપ થશે.
- 10 મારા દીકરા, જો પાપીઓ તને લલચાવે, તો તું તેઓનું માનતો નહિ.
- 11 જો તેઓ કહે કે, “અમારી સાથે ચાલ, આપણે ખૂન કરવા માટે સંતાઈ રહીએ; આપણે નિર્દોષને વિનાકારણ હુમલો કરવાને છુપાઈ રહીએ.
- 12 શેઓલની જેમ આપણે તેઓને જીવતા અને જીવતા ગળી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય.
- 13 વિવિધ પ્રકારનો કિંમતી માલ આપણા હાથમાં આવશે; આપણે લૂંટથી આપણાં ઘરો ભરીશું.
- 14 તું અમારી સાથે જોડાઈ જા આપણે બધા સિલકની સહિયારી થેલી રાખીશું.”
- 15 મારા દીકરા, તેઓના માર્ગમાં તેઓની સાથે ન ચાલ; તેઓના માર્ગેથી તારા પગ પાછા રાખ;
- 16 તેઓના પગ દુષ્ટતા કરવા માટે દોડે છે અને તેઓ લોહી વહેવડાવવા માટે ઉતાવળ કરે છે.
- 17 કારણ કે જ્યારે પક્ષીઓ સાવધ હોય ત્યારે જાળ પાથરવી તે નિરર્થક છે.
- 18 આ માણસો પોતાને જ મારી નાખવાને માટે સંતાઈ રહે છે, તેઓ પોતાના જ જીવને માટે ગુપ્ત રીતે છુપાઈ રહે છે.
- 19 ધનના પ્રત્યેક લોભીના માર્ગો આવા જ હોય છે. આવું ધન તેના માલિકોનું જ સત્યાનાશ વાળે છે.
- 20 ડહાપણ શેરીએ શેરીએ મોટેથી પોકારે છે, તે જાહેર સ્થળોમાં પોતાની વાણી ઉચ્ચારે છે.
- 21 તે ઘોંઘાટવાળા રસ્તા પર બૂમો પાડે છે અને શહેરના દરવાજે ઊભું રહીને વચનો ઉચ્ચારે છે,
- 22 “હે અજ્ઞાનીઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ઠઠ્ઠા-મશ્કરી કરનારાઓ, તમે ક્યાં સુધી ઠઠ્ઠા-મશ્કરી કરવામાં આનંદ મેળવશો? અને ઓ મૂર્ખાઓ, તમે ક્યાં સુધી ડહાપણને ધિક્કારશો?
- 23 મારી ચેતવણી પર ધ્યાન આપો; હું મારો આત્મા તમારા પર રેડીશ; હું મારાં વચનો તમને જણાવીશ.
- 24 મેં બોલાવ્યા અને તમે ઇનકાર કર્યો; મેં મારો હાથ લાંબો કર્યો છે, પણ કોઈએ તેની દરકાર કરી નહિ.
- 25 પણ તમે મારી સર્વ શિખામણને તુચ્છ ગણી અને મારા ઠપકાને પણ ગણકારતા નથી.
- 26 માટે તમારા પર મુશ્કેલીઓ આવશે ત્યારે હું હાસ્ય કરીશ, જ્યારે તમારા પર ભય આવશે ત્યારે હું તમારી મશ્કરી કરીશ.
- 27 એટલે જ્યારે તોફાનની જેમ તમારા પર ભય આવી પડશે અને વંટોળિયાની જેમ તમારા પર વિપત્તિઓ ધસી આવશે; જ્યારે સંકટ તથા વેદના તમારા પર આવશે, ત્યારે હું તમારી મશ્કરી કરીશ.
- 28 ત્યારે તેઓ મને પોકાર કરશે પણ હું ઉત્તર આપીશ નહિ; તેઓ ખંતથી મને શોધશે, પણ હું તેઓને મળીશ નહિ.
- 29 કેમ કે તેઓએ વિદ્યાનો ધિક્કાર કર્યો છે અને તેઓએ યહોવાહનો ભય રાખવાનું ઇચ્છ્યું નહિ.
- 30 તેઓએ મારી સલાહ બિલકુલ માની નહિ અને તેઓએ મારો બધો ઠપકો તુચ્છ ગણ્યો.
- 31 તેઓ પોતાના માર્ગનું ફળ ભોગવશે અને પોતાની કુયુક્તિઓની પૂરેપૂરી શિક્ષા ભોગવશે.
- 32 અબુદ્ધો પાછા હઠી જાય તે બાબત તેઓનો સંહાર કરશે; અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે.
- 33 પણ જે કોઈ મારું કહ્યું સાંભળશે તે સુરક્ષિત રહેશે અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”