잠언 13장 구자라트 IRV
- 1 જ્ઞાની દીકરો પોતાના પિતાની શિખામણ માને છે, પણ અડિયલ દીકરો ઠપકાને ગણકારતો જ નથી.
- 2 માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ભોગવે છે, પણ કપટીનો જીવ જુલમ વેઠશે.
- 3 પોતાનું મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.
- 4 આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ કશું પામતો નથી, પણ ઉદ્યમી વ્યક્તિ પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.
- 5 સદાચારી માણસ જૂઠને ધિક્કારે છે, પણ દુષ્ટ માણસ અપમાન અને ફજેતીનો ભોગ બને છે.
- 6 નેકી ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીઓને ઉથલાવી નાખે છે,
- 7 કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે અને કેટલાક એવા પણ છે કે જેઓ કંગાળ હોવા છતાં ધનવાન હોય છે.
- 8 દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે, પણ ગરીબ વ્યક્તિને ધમકી સાંભળવી પડતી નથી.
- 9 નેકીવાનોનો પ્રકાશ આનંદ છે, પણ દુષ્ટનો દીવો હોલવી નાંખવામાં આવશે.
- 10 અભિમાનથી તો કેવળ ઝઘડો જ ઉત્પન્ન થાય છે; પણ સારી સલાહ માનનારાઓ પાસે ડહાપણ છે.
- 11 કુમાર્ગે મેળવેલી સંપત્તિ કદી ટકતી નથી. પણ મહેનતથી સંગ્રહ કરેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે.
- 12 આશાનું ફળ મળવામાં વિલંબ થતાં અંતઃકરણ ઝૂરે છે, પણ ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.
- 13 શિખામણને નકારનારનો નાશ થાય છે, પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે.
- 14 જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે, જે તે વ્યક્તિને મૃત્યુના ફાંદામાંથી ઉગારી લે છે.
- 15 સારી સમજવાળાને કૃપા મળે છે, પણ કપટીનો માર્ગ ખરબચડો છે.
- 16 પ્રત્યેક ડાહ્યો માણસ ડહાપણથી નિર્ણય લે છે; પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.
- 17 દુષ્ટ સંદેશાવાહક મુશ્કેલીમાં સપડાઈ જાય છે, પણ વિશ્વાસુ સંદેશવાહક સમાધાન લાવે છે.
- 18 જે શિખામણનો ત્યાગ કરે છે તેને ગરીબી અને અપમાન પ્રાપ્ત થાય છે, પણ ઠપકાનો સ્વીકાર કરે છે તેને માન મળે છે.
- 19 ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે, પણ દુષ્ટતાથી પાછા વળવું એ મૂર્ખોને આઘાતજનક લાગે છે.
- 20 જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પણ જે મૂર્ખની સોબત કરે છે તેને નુકસાન થશે.
- 21 પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે, પણ જે સારા માણસો છે તેઓને હિતકારક બદલો મળશે.
- 22 સારો માણસ પોતાનાં સંતાનોનાં સંતાનોને માટે વારસો મૂકી જાય છે, પણ પાપીનું ધન નેકીવાનને સારુ ભરી મૂકવામાં આવે છે.
- 23 ગરીબોના ખેતરમાં ઘણું અનાજ ઊપજે છે, પણ અન્યાયના કારણથી નાશ પામનારા માણસો પણ છે.
- 24 જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.
- 25 નેકીવાન પોતાને સંતોષ થતાં સુધી ખાય છે, પણ દુષ્ટનું પેટ હંમેશાં ભૂખ્યુંને ભૂખ્યું જ રહે છે.