잠언 17장 구자라트 IRV
- 1 જે ઘર મિજબાનીથી ભરપૂર હોય પણ કજિયાકંકાસવાળું હોય તેના કરતાં શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે.
- 2 ડહાપણથી વર્તનાર ચાકર બદનામી કરાવનાર દીકરા પર અધિકાર ચલાવશે અને એ ચાકરને દીકરાના ભાઈઓમાં વારસનો ભાગ મળશે.
- 3 ચાંદીને ગાળવા માટે કુલડી હોય છે અને સોનાને માટે ભઠ્ઠી હોય છે. પણ અંત:કરણને પારખનાર યહોવાહ છે.
- 4 જે કોઈ વ્યક્તિ અનિષ્ટ વાત સાંભળે છે તે દુષ્ટ છે; જે જૂઠો છે તે નુકસાનકારક જીભ તરફ ધ્યાન આપે છે.
- 5 જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સર્જનહારની નિંદા કરે છે અને જે કોઈ બીજાની વિપત્તિને જોઈને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.
- 6 સંતાનોનાં સંતાનો વૃદ્ધ પુરુષનો મુગટ છે અને સંતાનોનો મહિમા તેઓનાં માતાપિતા છે.
- 7 ભાવપૂર્ણ ભાષણ મૂર્ખને ઘટતું નથી; મહાપુરુષોને માટે જૂઠું બોલવું એ અઘટિત છે.
- 8 જેને બક્ષિસ મળે છે તે તેની નજરમાં મૂલ્યવાન પથ્થર જેવી છે; જ્યાં જ્યાં તે જાય છે, ત્યાં ત્યાં તે ઉદય પામે છે.
- 9 દોષને ઢાંકનાર પ્રેમ શોધે છે, પણ તેને જ વારંવાર બોલ્યા કરનાર ઇષ્ટ મિત્રોમાં અંતર પાડે છે.
- 10 મૂર્ખને સો ફટકાના કરતાં બુદ્ધિમાનને એક ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે.
- 11 દુર્જન હંમેશા આફતો શોધ્યા કરે છે. તે માટે તેની સામે ક્રૂર સંદેશાવાહક મોકલવામાં આવશે.
- 12 જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઈને મળજો; પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો.
- 13 જો કોઈ ભલાઈનો બદલો બૂરાઈથી વાળે છે, તો તેના ઘરમાંથી બૂરાઈ દૂર થશે નહિ.
- 14 કોઈ પાણીને બહાર આવવાનું બાકું કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે, માટે ઝઘડો થયા અગાઉ સમાધાન કરી લો.
- 15 જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે તે બન્નેને યહોવાહ ધિક્કારે છે.
- 16 જ્યારે મૂર્ખને બુદ્ધિ હોતી નથી ત્યારે ડહાપણ ખરીદવા તેના હાથમાં મૂલ્ય ક્યાંથી હોય?
- 17 મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે અને ભાઈ સંકટના સમયને માટે જ જન્મ્યો છે.
- 18 અક્કલહીન વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે.
- 19 કજિયો ચાહનાર પાપ કરે છે; જે પોતાનો દરવાજો વિશાળ બનાવે છે, તે વિનાશ શોધે છે.
- 20 કુટિલ હૃદયના માણસનું કદી હિત થતું નથી; આડી જીભવાળો માણસ વિપત્તિમાં આવી પડે છે.
- 21 મૂર્ખને પેદા કરનાર દુ:ખી થાય છે; મૂર્ખના પિતાને કદી આનંદ થતો નથી.
- 22 આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે.
- 23 દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને ઇનસાફના માર્ગ ઊંધા વાળે છે.
- 24 બુદ્ધિમાન વ્યક્તિની આંખ ડહાપણ પર જ હોય છે, પણ મૂર્ખની આંખો પૃથ્વીના છેડા પર ચોંટેલી હોય છે.
- 25 મૂર્ખ પુત્ર પિતાને માટે વ્યથારૂપ અને પોતાની માતાને માટે કડવાશરૂપ છે.
- 26 વળી નિર્દોષને દંડ કરવો તથા પ્રામાણિકપણાને લીધે સજ્જનોને મારવા એ યોગ્ય નથી.
- 27 થોડાબોલો માણસ શાણો છે, ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે.
- 28 મૂર્ખ ચૂપ રહે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે, જ્યાં સુધી તે બોલે નહિ, ત્યાં સુધી તે શાણો લેખાય છે.