잠언 25장 구자라트 IRV
- 1 આ પણ સુલેમાનનાં નીતિવચનો છે કે, જેનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો.
- 2 કોઈ બાબત ગુપ્ત રાખવી તેમાં ઈશ્વરનો મહિમા છે, પણ કોઈ બાબત શોધી કાઢવી એમાં રાજાનું ગૌરવ છે.
- 3 જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ હોય છે, તેમ રાજાઓનું મન અગાધ છે.
- 4 ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો, એટલે ચાંદીનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે.
- 5 તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો, એટલે તેનું સિંહાસન ન્યાય વડે સ્થિર થશે.
- 6 રાજાની હાજરીમાં પોતાની બડાઈ ન કર અને મોટા માણસોની જગ્યાએ ઊભા ન રહે.
- 7 ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં, “આમ આવો” કહીને ઉપર બેસાડવામાં આવે એ વધારે સારું છે.
- 8 દાવામાં જલદી ઊતરી ન પડ. કેમ કે આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ?
- 9 તારા દાવા વિષે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર,
- 10 રખેને તે સાંભળનાર તારી નિંદા કરે અને તારા પરનો બટ્ટો દૂર થાય નહિ.
- 11 પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ ચાંદીની ટોપલીમાંનાં સોનાનાં સફરજન જેવો છે.
- 12 જ્ઞાની વ્યક્તિએ આપેલો ઠપકો આજ્ઞાંકિતના કાનમાં સોનાની કડીઓ તથા સોનાના ઘરેણાં જેવો છે.
- 13 ફસલના સમયમાં બરફની શીતળતા જેવી લાગે છે તેવી જ વિશ્વાસુ સંદેશાવાહક તેના મોકલનારાઓને લાગે છે; તે પોતાના માલિકના આત્માને તાજો કરે છે.
- 14 જે કોઈ ભેટો આપવાની વ્યર્થ ડંફાસો મારે છે, પણ કંઈ આપતો નથી, તે વરસાદ વગરનાં વાદળાં તથા પવન જેવો છે.
- 15 લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે અને કોમળ જીભ હાડકાને ભાંગે છે.
- 16 જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા રખેને તે તારા ગળા સુધી આવે અને તારે તે ઓકી કાઢવું પડે.
- 17 તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા, નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.
- 18 પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડા, તલવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે.
- 19 સંકટસમયે અવિશ્વાસુ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.
- 20 જે દુઃખી દિલવાળા માણસ આગળ ગીતો ગાય છે, તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેનાર જેવો અથવા ઘા પર સરકો રેડનાર જેવો છે.
- 21 જો તારો શત્રુ ભૂખ્યો હોય, તો તેને ખાવા માટે રોટલો આપ; અને જો તે તરસ્યો હોય, તો પીવા માટે પાણી આપ.
- 22 કેમ કે એમ કરવાથી તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે અને યહોવાહ તને તેનો બદલો આપશે.
- 23 ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમ જ ચાડીકરનારી જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.
- 24 કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવું, તે કરતાં અગાશીના ખૂણામાં રહેવું સારું છે.
- 25 જેવું તરસ્યા જીવને માટે ઠંડુ પાણી છે, તેવી જ દૂર દેશથી મળેલી સારી ખબર છે.
- 26 જેવો ડહોળાયેલો ઝરો અથવા વિનાશક કૂવો છે, તેવો જ દુશ્મનોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે.
- 27 વધુ પડતું મધ ખાવું સારું નથી, તેમ જ પોતાનું મહત્વ શોધવું એ કંઈ પ્રતિષ્ઠા નથી.
- 28 જે માણસ પોતાના પર કાબુ રાખી શકતો નથી તે ખંડિયેર જેવો તથા કોટ વગરના નગર જેવો છે.