잠언 27장 구자라트 IRV
- 1 આવતી કાલની બડાશ મારીશ નહિ, કારણ કે આવતીકાલે શું થઈ જશે તે તું જાણતો નથી.
- 2 બીજો માણસ તારાં વખાણ ભલે કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; પારકા કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે.
- 3 પથ્થર વજનદાર હોય છે અને રેતી ભારે હોય છે; પણ મૂર્ખની ઉશ્કેરણી બંને કરતાં ભારે હોય છે.
- 4 ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે, પણ ઈર્ષ્યા આગળ કોણ ટકી શકે?
- 5 છુપાવેલા પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.
- 6 મિત્રના ઘા પ્રામાણિક હોય છે, પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે.
- 7 ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, પણ ભૂખ્યાને દરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે.
- 8 પોતાનું ઘર છોડીને ભટકતી વ્યક્તિ જેણે પોતાનો માળો છોડી દીધો હોય તેવા પક્ષી જેવી છે.
- 9 જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, તેમ અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.
- 10 તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને તજીશ નહિ; વિપત્તિને સમયે તારા ભાઈના ઘરે ન જા. દૂર રહેતા ભાઈ કરતાં નજીકનો પડોશી સારો છે.
- 11 મારા દીકરા, જ્ઞાની થા અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.
- 12 શાણો માણસ આફતને આવતી જોઈને તેને ટાળે છે, પણ મૂર્ખ માણસ આગળ વધતો રહે છે અને તેને લીધે સહન કરે છે.
- 13 અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્ત્ર લઈ લે અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય; તો તેને જવાબદારીમાં રાખ.
- 14 જે કોઈ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ આપે છે, તે તેને શાપ સમાન લાગશે.
- 15 ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા કજિયાળી સ્ત્રી એ બંને સરખાં છે.
- 16 જે તેને રોકી શકે તે પવનને રોકી શકે, અથવા પોતાના જમણા હાથમાં લગાડેલા તેલની સુગંધ પણ પકડી શકે.
- 17 લોઢું લોઢાને ધારદાર બનાવે છે; તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે.
- 18 જે કોઈ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે અને જે પોતાના માલિકની કાળજી રાખે છે તે માન પામે છે.
- 19 જેમ માણસના ચહેરાની પ્રતિમા પાણીમાં પડે છે, તેવી જ રીતે એક માણસના હૃદયનું પ્રતિબિંબ બીજા માણસ પર પડે છે.
- 20 જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી; તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.
- 21 ચાંદી ગાળવા સારુ કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે; તેમ માણસની પરીક્ષા તેની પ્રશંસા ઉપરથી થાય છે.
- 22 જો તું મૂર્ખને ખાંડણિયામાં નાખીને ખંડાતા દાણા સાથે સાંબેલાથી ખાંડે, તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી પડવાની નથી.
- 23 તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતિ જાણવાની કાળજી રાખ અને તારાં જાનવરની યોગ્ય દેખરેખ રાખ.
- 24 કેમ કે દ્રવ્ય સદા ટકતું નથી. શું મુગટ વંશપરંપરા ટકે છે?
- 25 સૂકું ઘાસ લઈ જવામાં આવે છે કે તરત ત્યાં કુમળું ઘાસ ઊગી નીકળે છે અને પર્વત પરની વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે.
- 26 ઘેટાં તારા વસ્ત્રોને અર્થે હોય છે અને બકરાં તારા ખેતરનું મૂલ્ય છે.
- 27 વળી બકરીઓનું દૂધ તારે માટે, તારા કુટુંબને માટે અને તારી દાસીઓના ગુજરાન માટે પૂરતું થશે.