잠언 31장 구자라트 IRV
- 1 લમૂએલ રાજાની માતાએ જે ઈશ્વરવાણી તેને શીખવી હતી તે આ છે.
- 2 હે મારા દીકરા? ઓ મારા દીકરા? હે મારી માનતાઓના દીકરા?
- 3 તારી શક્તિ સ્ત્રીઓ પાછળ વેડફીશ નહિ, અને તારા માર્ગો રાજાઓનો નાશ કરનારની પાછળ વેડફીશ નહિ.
- 4 દીકરા લમૂએલ, દ્રાક્ષારસ પીવો તે રાજાને શોભતું નથી, વળી “દ્રાક્ષાસવ ક્યાં છે?” તે રાજ્યના હાકેમોએ પૂછવું યોગ્ય નથી.
- 5 કારણ કે પીવાને લીધે તેઓ પોતાના નિયમો ભૂલી જાય છે, અને દુઃખીઓને નિષ્પક્ષ ન્યાય આપી શકતા નથી.
- 6 જેઓ મરવાની અણી પર હોય તેને દ્રાક્ષાસવ અને જેઓ દુભાયેલા હોય તેને દ્રાક્ષારસ આપ.
- 7 ભલે તેઓ પીને પોતાની ગરીબીને વિસારે પડે, અને તેઓને પોતાનાં દુ:ખો યાદ આવે નહિ.
- 8 જે પોતાના માટે બોલી શકતા નથી તેઓને માટે તું બોલ અને તું નિરાધારોના હક માટે સહાય કર.
- 9 તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર અને ગરીબ તથા દરિદ્રીને માન આપ.
- 10 સદગુણી પત્ની કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં વધારે છે.
- 11 તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે, અને તેને સંપત્તિની કોઈ ખોટ પડશે નહિ.
- 12 પોતાના આયુષ્યનાં સર્વ દિવસો પર્યંત, તે તેનું ભલું જ કરે છે અને કદી ખોટું કરતી નથી.
- 13 તે ઊન અને શણ ભેગું કરે છે, અને ખંતથી પોતાના હાથે કામ કરવામાં આનંદ માણે છે.
- 14 તે દૂરથી પોતાનું અન્ન લઈ આવનાર, વેપારીના વહાણ જેવી છે.
- 15 ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે.
- 16 તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે, પોતાના નફામાંથી તે પોતાને હાથે દ્રાક્ષવાડીઓ રોપે છે.
- 17 પોતાની કમરે તે ખડતલ અને ભારે ઉધમી છે, તે પોતાના હાથ બળવાન કરે છે.
- 18 તે પોતાના વેપારના નફાનો ખ્યાલ રાખે છે; તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી.
- 19 તે એક હાથે પૂણી પકડે છે અને બીજે હાથે રેંટિયો ચલાવે છે.
- 20 તે ગરીબોને ઉદારતાથી આપે છે; અને જરૂરિયાતમંદોને છૂટે હાથે મદદ કરે છે.
- 21 તેના કુટુંબના સભ્યોને માટે તે શિયાળાની કશી બીક રહેવા દેતી નથી, તેના આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે.
- 22 તે પોતાને માટે બુટ્ટાદાર રજાઈઓ બનાવે છે, તેના વસ્ત્રો ઝીણા શણનાં તથા જાંબુડા રંગનાં છે.
- 23 તેનો પતિ નગર દરવાજે આદર પામે છે, અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તે પ્રતિષ્ઠિત છે.
- 24 તે શણનાં વસ્ત્રો બનાવીને વેપારીઓને વેચે છે અને તેઓને કમરબંધ બનાવી આપે છે.
- 25 શક્તિ અને સન્માન તેનો પોશાક છે. અને તે ભવિષ્ય વિષેની ચિંતાને હસી કાઢે છે.
- 26 તેના મોંમાંથી ડહાપણની વાતો નીકળે છે, તેના જીભનો નિયમ માયાળુપણું છે.
- 27 તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે અને તે કદી આળસની રોટલી ખાતી નથી.
- 28 તે પોતાના ઘરના માણસોની વર્તનની બરાબર તપાસ રાખે છે; અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે,
- 29 “જગતમાં ઘણી સદાચારી સ્ત્રીઓ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે.”
- 30 લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પરંતુ યહોવાહનો ડર રાખનાર સ્ત્રીની પ્રંશસા થશે.
- 31 તેના હાથની પેદાશમાંથી તેને આપો અને તેના કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા કરો.