전도서 10장 구자라트 IRV
- 1 જેમ મરેલી માખીઓ અત્તરને દૂષિત કરી દે છે, તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ અને સન્માનને દબાવી દે છે.
- 2 બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે છે, પણ મૂર્ખનું હૃદય તેને ડાબે હાથે છે.
- 3 વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે, ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે, અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું.
- 4 જ્યારે તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જા, કારણ કે નમ્ર થવાથી ભારે ગુસ્સો પણ સમી જાય છે.
- 5 મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, અને તે એ છે કે અધિકારી દ્વારા થયેલી ભૂલ;
- 6 મૂર્ખને ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે, જ્યારે ધનવાનો નીચા સ્થળે બેસે છે.
- 7 મેં ગુલામોને ઘોડે સવાર થયેલા અને અમીરોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે.
- 8 જે ખાડો ખોદે છે તે જ તેમાં પડે છે અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડે છે.
- 9 જે માણસ પથ્થર ખસેડશે, તેને જ તે વાગશે, અને કઠિયારો લાકડાથી જ જોખમમાં પડે છે.
- 10 જો કોઈ બુઠ્ઠા લોખંડને ઘસીને તેની ધાર ન કાઢે, તો તેને વધારે શકિતની જરૂર પડે છે, સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે.
- 11 જો મંત્ર્યા અગાઉ જ સાપ કોઈને કરડી જાય, તો મદારીની વિદ્યા નકામી છે.
- 12 જ્ઞાની માણસનાં શબ્દો માયાળુ છે પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ આમંત્રે છે.
- 13 તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે, અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક છે.
- 14 વળી મૂર્ખ માણસ વધારે બોલે છે, પણ ભવિષ્ય વિષે કોઈ જાણતું નથી. કોણ જાણે છે કે તેની પોતાની પાછળ શું થવાનું છે?
- 15 મૂર્ખની મહેનત તેઓમાંના દરેકને થકવી નાખે છે. કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી.
- 16 જો તારો રાજા યુવાન હોય, અને સરદારો સવારમાં ઉજાણીઓ કરતા હોય, ત્યારે તને અફસોસ છે!
- 17 તારો રાજા કુલીન કુટુંબનો હોય ત્યારે દેશ આનંદ કરે છે, તારા હાકેમો કેફને સારુ નહી પણ બળ મેળવવાને માટે યોગ્ય સમયે ખાતા હોય છે. ત્યારે તો તું આશીર્વાદિત છે!
- 18 આળસથી છાપરું નમી પડે છે, અને હાથની આળસથી ઘરમાં પાણી ટપકે છે.
- 19 ઉજાણી મોજમજાને માટે ગોઠવવામાં આવે છે, અને દ્રાક્ષારસ જીવને ખુશી આપે છે. પૈસા સઘળી વસ્તુની જરૂરિયાત પૂરી પાળે છે.
- 20 રાજાને શાપ ન આપીશ તારા વિચારમાં પણ નહિ, અને દ્રવ્યવાનને તારા સૂવાના ઓરડામાંથી પણ શાપ ન દે, કારણ કે, વાયુચર પક્ષી તે વાત લઈ જશે અને પંખી તે વાત કહી દેશે.