아가 1장 구자라트 IRV
- 1 સુલેમાનનું આ સર્વોત્તમ ગીત.
- 2 તારા મુખના ચુંબનોથી તું મને ચુંબન કર, કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે.
- 3 તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે! તારું નામ અત્તર જેવું મહાન છે! તેથી જ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે!
- 4 મને તારી સાથે લઈ જા, આપણે જતાં રહીએ. રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે. હું પ્રસન્ન છું; હું તારા માટે આનંદ કરું છું; મને તારા પ્રેમની ઉજવણી કરવા દે; તે દ્રાક્ષારસ કરતાં પણ વધારે સારો છે. બીજી યુવતીઓ તને પ્રેમ કરે તે વાજબી છે.
- 5 હું શ્યામ છું પણ સુંદર છું, હે યરુશાલેમની દીકરીઓ, કેદારના તંબુઓની માફક શ્યામ, સુલેમાનના પડદાઓની માફક સુંદર છું.
- 6 હું શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. કેમ કે સૂર્યએ મને બાળી નાખી છે. મારી માતાના દીકરાઓ મારા પર કોપાયમાન થયા હતા; તેઓએ મને દ્રાક્ષવાડીની રક્ષક બનાવી. પણ મારી પોતાની દ્રાક્ષવાડી મેં સંભાળી નથી.
- 7 જેને મારો આત્મા પ્રેમ કરે છે તે, તું મને કહે, તું તારા ઘેટાં-બકરાંને કયાં ચરાવે છે? તેમને બપોરે ક્યાં વિસામો આપે છે? શા માટે હું તારા સાથીદારોના ટોળાંની પાછળ, ભટકનારની માફક ફરું?
- 8 યુવતીઓમાં અતિ સુંદર, જો તું જાણતી ના હોય તો, મારા ટોળાંની પાછળ ચાલ, તારી બકરીના બચ્ચાંને ભરવાડોના તંબુઓ પાસે ચરાવ.
- 9 મારી પ્રિયતમા, ફારુનના રથોના ઘોડાઓની મધ્યેની ઘોડીની સાથે, મેં તને સરખાવી છે.
- 10 તારા ગાલ તારા આભૂષણોથી, તારી ગરદન રત્નથી સુંદર લાગે છે.
- 11 હું તારા માટે ચાંદી જડેલા સોનાના આભૂષણો બનાવીશ.
- 12 જ્યારે રાજા પોતાના પલંગ પર સૂતો હતો, ત્યારે મારી જટામાસીની ખુશ્બો મહેકી રહી હતી.
- 13 મારો પ્રીતમ બોળની કોથળી જેવો મને લાગે છે જે મારા સ્તનોની વચ્ચે રાત્રી વિતાવે છે.
- 14 મારો પ્રીતમ, એન-ગેદીની દ્રાક્ષવાડીમાં, મેંદીના ફૂલના ગુચ્છો જેવો લાગે છે.
- 15 જો, મારી પ્રિયતમા, તું સુંદર છે, જો, તું સુંદર છે; તારી આંખો હોલાના જેવી છે.
- 16 જો, તું સુંદર છે મારા પ્રીતમ, તું કેવો મનોહર છે. આપણો પલંગ કૂણા છોડના જેવો છે.
- 17 આપણા ઘરના મોભ એરેજ વૃક્ષની ડાળીઓ જેવા અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષની ડાળીઓની છે.