아가 6장 구자라트 IRV

  1. 1 હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી તારો પ્રીતમ કઈ તરફ ગયો છે? તારો પ્રીતમ કઈ દિશા તરફ ગયો છે, અમને કહે જેથી અમે તારી સાથે તેને શોધીએ?
  2. 2 મારો પ્રીતમ પોતાના બાગમાં ગયો છે, સુગંધીઓના ક્યારામાં, બાગોમાં આનંદ કરવા ગુલછડી વીણવા ગયો છે.
  3. 3 હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે; તે ગુલછડીઓમાં પોતાને આનંદિત કરે છે.
  4. 4 સ્ત્રીનો પ્રીતમ તેને કહે છે, મારી પ્રિયતમા તું તિર્સા જેવી સુંદર, યરુશાલેમ જેવી ખૂબસૂરત, અને ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયાવહ છે.
  5. 5 તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે, કેમ કે તેઓએ મારો પરાજય કર્યો છે. ગિલ્યાદની બાજુએ બેઠેલા, બકરાંના ટોળાં જેવા તારા કેશ છે.
  6. 6 ઘોવાઇને બહાર નીકળેલી ઘેટીઓના ટોળાં જેવા તારા દાંત છે જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે અને તેઓમાંના કોઈએ પોતાના બચ્ચાં ગુમાવ્યાં નથી.
  7. 7 તારા બુરખા પાછળ તારા ગાલ દાડમની ફાડ જેવા છે.
  8. 8 રાણીઓ તો સાઠ છે અને એંસી ઉપપત્નીઓ છે; અને બીજી અસંખ્ય કુમારિકાઓ છે.
  9. 9 અને મારી હોલી, મારી નિષ્કલંક તો એક જ છે; તે પોતાની માતાની એકની એક છે; તે પોતાની જનેતાની માનીતી છે. પુત્રીઓએ તેને જોઈને કહ્યું કે તું પ્રશંસાપાત્ર છે; રાણીઓ અને ઉપપત્નીઓ તેને જોઈને તેની પ્રશંસા કરે છે.
  10. 10 પ્રભાતના જેવી પ્રકાશિત ક્રાંતિવાળી, ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી ડાઘ વગરની, ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર એ કોણ છે?
  11. 11 વસંતઋતુ ખીલી છે તે જોવા દ્રાક્ષવેલાને કૂંપળો ફૂટી છે કે કેમ; દાડમોને મોર આવ્યો છે કે કેમ; તે જોવા માટે હું અખરોટના બગીચામાં ગયો.
  12. 12 હું કંઈ સમજુ તે પહેલા તો મારા આત્માએ મને રાજવંશી રથમાં બેસાડ્યો.
  13. 13 પાછી આવ, હે શૂલ્લામી; પાછી આવ; પાછી આવ કે અમે તને નિહાળીએ. માહનાઇમના નૃત્યની જેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો?