이사야 15장 구자라트 IRV

  1. 1 મોઆબ વિષે ઈશ્વરવાણી. ખરેખર, એક રાત્રિમાં મોઆબનું આર ઉજ્જડ થઈને નષ્ટ થયું છે; ખરેખર, એક રાત્રિમાં કીર-મોઆબ ઉજ્જડ થઈને નષ્ટ થયું છે.
  2. 2 તેઓ દીબોનના લોકો, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયા છે; નબો અને મેદબા પર મોઆબ વિલાપ કરે છે. તેઓ સર્વનાં માથાં બોડાવેલાં અને દાઢી મૂંડેલી છે.
  3. 3 તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓના ધાબા પર અને ચોકમાં પોક મૂકીને રડે છે.
  4. 4 વળી હેશ્બોન અને એલઆલેહ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે; યાહાસ સુધી તેઓનો અવાજ સંભળાય છે. તેથી મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ કરે છે; તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે.
  5. 5 મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે; તેમાંથી નાસી ગયેલા સોઆર અને એગ્લાથ-શલીશિયા સુધી દોડે છે. લૂહીથનાં ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે. હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે.
  6. 6 નિમ્રીમનાં પાણી સુકાઈ ગયાં છે; ઘાસ સુકાઈ ગયું છે અને નવું ઘાસ નાશ પામ્યું છે; લીલોતરી નથી.
  7. 7 તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે અને જે સંઘરેલું છે તે તેઓ વેલાવાળા નાળાંને પાર લઈ જશે.
  8. 8 કેમ કે મોઆબની સરહદની આસપાસ રુદનનો પોકાર ફરી વળ્યો છે; એગ્લાઈમ અને બેર-એલીમ સુધી તેનો વિલાપ સંભળાય છે.
  9. 9 દીમોનમાં પાણી રક્તથી ભરપૂર છે; પણ હું દીમોન પર વધારે આપત્તિ લાવીશ. મોઆબના બચી ગયેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ લાવીશ.