이사야 32장 구자라트 IRV
- 1 જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે અને રાજકુમારો ઇનસાફથી શાસન કરશે.
- 2 તેમાંનો દરેક માણસ વાયુથી આશ્રયસ્થાન અને વાવાઝોડા સામે આશરા જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળાં જેવો, કંટાળાજનક દેશમાં એક વિશાળ ખડકની છાયા જેવો થશે.
- 3 પછી જોનારની આંખો ઝાંખી થશે નહિ અને જેઓ સાંભળી શકે છે તેઓના કાન ધ્યાનપૂર્વક સાંભળશે.
- 4 ઉતાવળિયાઓનાં મન ડહાપણ સમજશે અને મૂંગાઓની જીભ સ્પષ્ટ બોલશે.
- 5 ત્યારે મૂર્ખને કોઈ ખાનદાન કહેશે નહિ, કે ઠગ નીતિમાન કહેવાશે નહિ.
- 6 કેમ કે મૂર્ખ મૂર્ખાઈની જ વાત બોલશે અને તેનું હૃદય દુષ્ટ યોજનાઓ કરશે અને તે અધર્મનાં કાર્યો અને યહોવાહ વિષે ભૂલભરેલી વાત બોલશે. તે ભૂખ્યાઓને અતૃપ્ત રાખશે અને તરસ્યાઓને પીવાનું પાણી આપશે નહિ.
- 7 ઠગની રીતો દુષ્ટ છે. જ્યારે દરિદ્રી કહે છે કે સત્ય શું છે તોપણ તે દરિદ્રીને જૂઠી વાતોથી નાશ કરવાને માટે દુષ્ટ યુકિત યોજે છે.
- 8 પણ ઉદાર વ્યક્તિ ઉદારતાની યોજના બનાવે છે; અને તેના ઉદારતા કાર્ય માં તે સ્થિર રહેશે.
- 9 સુખી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; હે બેદરકાર દીકરીઓ, મને સાંભળો.
- 10 હે બેદરકાર સ્ત્રીઓ, એક વર્ષ ઉપરાંત કેટલાક દિવસો પછી તમારો વિશ્વાસ ઊઠી જશે, કેમ કે દ્રાક્ષાની ઊપજ બંધ થશે અને તેને એકત્ર કરવાનો સમય આવશે નહિ.
- 11 હે સુખી સ્ત્રીઓ, કાંપો; વિશ્વાસુ સ્ત્રીઓ તમે મુશ્કેલીમાં મુકાશો; તમારા રોજબરોજનાં વસ્રો કાઢીને નિર્વસ્ત્ર થાઓ; કમર પર ટાટ બાંધો.
- 12 તમે આનંદદાયક ખેતરોને માટે, ફળદાયક દ્રાક્ષવેલાને માટે આક્રંદ કરશો.
- 13 મારા લોકોની ભૂમિ પર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે, ઉલ્લાસી નગરનાં સર્વ આનંદભર્યાં ઘર પર તેઓ ઊગશે.
- 14 કેમ કે, રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે, વસ્તીવાળું નગર ઉજ્જડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાના આનંદનું સ્થાન અને ઘેટાંનું ચરવાનું સ્થાન થશે;
- 15 જ્યાં સુધી કે ઉપરથી આત્મા આપણા પર રેડાય અને અરણ્ય ફળદ્રુપ વાડી થાય અને ફળદ્રુપ વાડી વન સમાન બને ત્યાં સુધી એવું થશે.
- 16 પછી ઇનસાફ અરણ્યમાં વસશે; અને ન્યાયપણું ફળદ્રુપ વાડીમાં રહેશે.
- 17 ન્યાયીપણાનું કામ શાંતિ અને ન્યાયીપણાનું પરિણામ સર્વકાળનો વિશ્રામ અને વિશ્વાસ થશે.
- 18 મારા લોકો શાંતિના સ્થાનમાં, સુરક્ષિત આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.
- 19 પરંતુ જંગલના પતન સમયે કરા પડશે અને નગર જમીનદોસ્ત કરવામાં આવશે.
- 20 તમે જેઓ સર્વ ઝરણાંની પાસે વાવો છો અને તમારા બળદ અને ગધેડાને છૂટથી ચરવા મોકલો છો, તેઓ પરમસુખી છે.