이사야 35장 구자라트 IRV
- 1 અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; અને વન આનંદ કરશે અને ગુલાબની જેમ ખીલશે.
- 2 તે પુષ્કળ ખીલશે, આનંદ કરશે અને હરખાઈને ગાયન કરશે. તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાહનું ગૌરવ અને આપણા ઈશ્વરનો વૈભવ જોશે.
- 3 ઢીલા હાથોને દૃઢ કરો અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો.
- 4 જેઓ ભયભીત હૃદયના છે તેઓને કહો, “દૃઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર વેર લેવા આવશે, ઈશ્વર તમને યોગ્ય બદલો આપશે અને તે પોતે આવીને તમને તારશે.”
- 5 ત્યારે અંધજનોની આંખો ઉઘાડવામાં આવશે અને બધિરોના કાન સાંભળશે.
- 6 ત્યારે અપંગો હરણની જેમ કૂદશે અને મૂંગાની જીભ ગાયન કરશે, કેમ કે અરણ્યમાં પાણી અને વનમાં નાળાં ફૂટી નીકળશે.
- 7 દઝાડતી રેતી તે તળાવ, અને તરસી ભૂમિ તે પાણીના ઝરણાં બની જશે; શિયાળોનાં રહેઠાણમાં, તેમના સૂવાને સ્થાને, ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે.
- 8 ત્યાં રાજમાર્ગ થશે અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેના પર કોઈ અશુદ્ધ ચાલશે નહિ પણ જે પવિત્રતામાં ચાલે છે તેને માટે તે થશે, એ માર્ગમાં મૂર્ખ પણ ભૂલો પડશે નહિ.
- 9 ત્યાં સિંહ હશે નહિ, કોઈ હિંસક પશુ ત્યાં આવી ચઢશે નહી; ત્યાં તેઓ જોવામાં આવશે નહિ. પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે.
- 10 યહોવાહે જે લોકો માટે મુક્તિ મૂલ્ય ચૂકવ્યું છે તેઓ પાછા ફરશે અને હર્ષનાદ કરતા કરતા સિયોન સુધી પહોંચશે અને તેઓને માથે હંમેશા આનંદ રહેશે; તેઓને હર્ષ અને આનંદ પ્રાપ્ત થશે, તેઓના શોક તથા નિશ્વાસ જતા રહેશે.