예레미야애가 5장 구자라트 IRV
- 1 હે યહોવાહ, અમારા પર જે આવી પડ્યું તેનું તમે સ્મરણ કરો. ધ્યાન આપીને અમારું અપમાન જુઓ.
- 2 અમારું વારસા પારકાઓના હાથમાં, અમારાં ઘરો પરદેશીઓના હાથમાં ગયાં છે.
- 3 અમે અનાથ અને પિતાવિહોણા થયા છીએ અને અમારી માતાઓ વિધવા થઈ છે.
- 4 અમે અમારું પાણી પૈસા આપીને પીધું છે, અમે અમારાં પોતાનાં લાકડાં પણ વેચાતાં લીધાં છે.
- 5 જેઓ અમારી પાછળ પડ્યા છે તેઓ અમને પકડી પાડવાની તૈયારીમાં છે. અમે થાકી ગયા છીએ અને અમને વિશ્રામ મળતો નથી.
- 6 અમે રોટલીથી તૃપ્ત થવા માટે મિસરીઓને તથા આશ્શૂરીઓને તાબે થયા છીએ.
- 7 અમારા પિતૃઓએ પાપ કર્યું અને તેઓ રહ્યા નથી. અમારે તેઓના પાપની સજા ભોગવવી પડે છે.
- 8 ગુલામો અમારા પર રાજ કરે છે, તેઓના હાથમાંથી અમને મુક્ત કરનાર કોઈ નથી.
- 9 અરણ્યમાં ભટકતા લોકોની તલવારને લીધે અમારો જીવ જોખમમાં નાખીને અમે અમારું અન્ન ભેગું કરીએ છીએ.
- 10 દુકાળના તાપથી અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.
- 11 તેઓએ સિયોનમાં સ્ત્રીઓ પર અને યહૂદિયાનાં નગરોમાં કન્યાઓ પર બળાત્કાર કર્યો છે.
- 12 તેઓએ રાજકુમારોને હાથ વડે લટકાવી દીધા અને તેઓએ વડીલોનું કોઈ માન રાખ્યું નહિ.
- 13 જુવાનો પાસે દળવાની ચક્કી પિસાવવામાં આવે છે. છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.
- 14 વયસ્કો હવે ભાગળમાં બેસતા નથી જુવાનોએ ગીતો ગાવાનું છોડી દીધું છે.
- 15 અમારા હૃદયનો આનંદ હવે રહ્યો નથી. નાચને બદલે રડાપીટ થાય છે.
- 16 અમારા માથા પરથી મુગટ પડી ગયો છે! અમને અફસોસ! કેમ કે અમે પાપ કર્યું છે.
- 17 આને કારણે અમારાં હૃદય બીમાર થઈ ગયાં છે અને અમારી આંખોએ અંધારાં આવી ગયાં છે.
- 18 કારણ કે સિયોનનો પર્વત ઉજ્જડ થઈ ગયો છે તેના પર શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે.
- 19 પણ, હે યહોવાહ, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. તમારું રાજ્યાસન પેઢી દરપેઢીનું છે.
- 20 તમે શા માટે અમને હંમેશને માટે ભૂલી જાઓ છો? અમને આટલા બધા દિવસ સુધી શા માટે તજી દીધા છે?
- 21 હે યહોવાહ, અમને તમારી તરફ ફેરવો, એટલે અમે ફરીશું. પ્રાચીન કાળમાં હતા તેવા દિવસો અમને પાછા આપો.
- 22 પણ તમે અમને સંપૂર્ણ રીતે તજી દીધાં છે; તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો!