에스겔 19장 구자라트 IRV
- 1 “તું ઇઝરાયલના આગેવાનો માટે વિલાપ કર.
- 2 અને કહે, ‘તારી માતા કોણ હતી? તે તો સિંહણ હતી, તે જુવાન સિંહોની સાથે પડી રહેતી હતી; તે સિંહોનાં ટોળાંમાં રહીને પોતાના સંતાન ઉછેરતી હતી.
- 3 તેણે પોતાનાં બચ્ચાંમાંના એકને ઉછેર્યું અને તે જુવાન સિંહ બન્યો, તે શિકાર પકડતાં શીખ્યો. તે માણસોનો ભક્ષ કરવા લાગ્યો.
- 4 બીજી પ્રજાઓએ તેના વિષે સાંભળ્યું. તે તેઓની જાળમાં સપડાયો, તેઓ તેને સાંકળો પહેરાવીને મિસરમાં લાવ્યા.
- 5 જ્યારે તેણે જોયું કે તેની આશાઓ રદ થઈ છે ત્યારે તેણે પોતાનાં બચ્ચાંમાંનું બીજું એક બચ્ચું લઈને તેને ઉછેરીને જુવાન સિંહ બનાવ્યો.
- 6 તે સિંહોની સાથે ફરવા લાગ્યો. તે જુવાન સિંહ બન્યો અને તે શિકાર પકડતાં શીખ્યો; માણસોનો ભક્ષ કરવા લાગ્યો.
- 7 તેણે વિધવાઓ પર બળાત્કાર કર્યા, નગરોને ખંડિયેર બનાવી દીધાં. અને તેની ગર્જનાના અવાજથી દેશ તથા તેની સમૃદ્ધિ નાશ પામ્યાં.
- 8 પણ વિદેશી પ્રજાઓના લોકો આજુબાજુના પ્રાંતોમાંથી તેના પર ચઢી આવ્યા. તેઓએ તેના પર જાળ નાખી. તે તેઓના ફાંદામાં સપડાઈ ગયો.
- 9 તેઓએ તેને સાંકળે બાંધી પાંજરામાં પૂર્યો અને તેને બાબિલના રાજા પાસે લાવ્યા. તેનો અવાજ ઇઝરાયલના પર્વતો પર સાંભળવામાં ન આવે માટે તેઓએ તેને પર્વતોના કિલ્લામાં રાખ્યો.
- 10 તારી માતા તારા જેવી સુંદર અને પાણીના ઝરા પાસે રોપેલા દ્રાક્ષના વેલા જેવી હતી. પુષ્કળ પાણી મળવાથી તે ફળદ્રુપ અને ડાળીઓથી ભરપૂર હતી.
- 11 સત્તાધારીઓના રાજદંડોને લાયક તેને મજબૂત ડાળીઓ થઈ હતી. તેની ડાળીઓના જથ્થાસહિત તે ઊંચી દેખાતી હતી.
- 12 પણ તે દ્રાક્ષાવેલાને ઈશ્વરના કોપને લીધે ઉખેડી નાખીને જમીનદોસ્ત કરવામાં આવ્યો, પૂર્વના પવનોએ તેનાં ફળો સૂકવી નાખ્યાં. તેની સુકાઈ ગયેલી ડાળીઓ ભાંગી નાખવામાં આવી અને તે ચીમળાઈ ગઈ; તેને અગ્નિથી ભસ્મ કરવામાં આવી.
- 13 હવે તેને અરણ્યમાં સૂકા તથા નિર્જળ પ્રદેશમાં રોપવામાં આવી છે.
- 14 તેની મોટી ડાળીઓમાંથી અગ્નિ પ્રગટીને તેનાં ફળોને ભસ્મ કર્યા. તેના પર મજબૂત ડાળી રહી નહિ કે તેમાંથી સત્તાધારી માટે રાજદંડ બને.’ આ તો વિલાપગાન છે અને વિલાપ તરીકે તે ગવાશે.”