요나 2장 구자라트 IRV

  1. 1 ત્યારે યૂનાએ માછલીના પેટમાં રહીને પોતાના ઈશ્વર યહોવાહની પ્રાર્થના કરી.
  2. 2 તેણે કહ્યું, “મારી વિપત્તિ સંબંધી મેં ઈશ્વરને વિનંતી કરી, અને તેમણે મને જવાબ આપ્યો; શેઓલના ઊંડાણમાંથી સહાયને માટે મેં પોકાર કર્યો! અને મારો અવાજ સાંભળ્યો.”
  3. 3 “હે પ્રભુ તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો, મારી આસપાસ પાણી હતા; તેના સર્વ મોજાં અને છોળો, મારા પર ફરી વળ્યાં.”
  4. 4 અને મેં કહ્યું, “મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; તોપણ હું ફરીથી તમારા પવિત્ર સભાસ્થાન તરફ જોઈશ.’
  5. 5 મારું જીવન નષ્ટ થઈ જાય એ રીતે પાણી મારી આસપાસ ફરી વળ્યાં, આજુબાજુ ઊંડાણ હતું; મારા માથાની આસપાસ દરિયાઈ વનસ્પતિ વીંટાળાઈ વળી હતી.
  6. 6 હું તો પર્વતોનાં તળિયાં સુધી નીચે ઊતરી ગયો; મને અંદર રહેવા દઈને હમેશાંને માટે પૃથ્વીએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં. તેમ છતાં હે મારા ઈશ્વર પ્રભુ, તમે મારા જીવને ખાડામાંથી બહાર લાવ્યા છો.
  7. 7 જયારે મારો આત્મા મારામાં મૂર્છિત થયો, ત્યારે મેં ઈશ્વરનું ધ્યાન ધર્યું; અને મારી પ્રાર્થના તમારી સંમુખ, તમારા પવિત્ર ઘરમાં પહોંચી.
  8. 8 જેઓ નકામા દેવો પર લક્ષ આપે છે તેઓ પોતાના પર કૃપા દર્શાવનારને વિસરી જાય છે.
  9. 9 પણ હું મારા જીવનથી, આભારસ્તુતિ કરીને તમને બલિદાન ચઢાવીશ; જે પ્રતિજ્ઞા મેં લીધી છે તે હું પૂરી કરીશ. ઉદ્ધાર, ઈશ્વર દ્વારા જ છે.
  10. 10 પછી ઈશ્વરે માછલીને આજ્ઞા કરી. અને તેણે પેટમાંથી યૂનાને બહાર કાઢીને કોરી જમીન પર મૂક્યો.