민수기 28장 구자라트 IRV
- 1 યહોવાહે મૂસા સાથે વાત કરતાં કહ્યું,
- 2 “ઇઝરાયલ લોકોને આજ્ઞા કરીને તેઓને કહે, ‘તમારે નિશ્ચિત સમયે મારે સારુ બલિદાન ચઢાવવું, મારે સારુ સુવાસિત હોમયજ્ઞને સારુ મારું અન્ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો.
- 3 તારે તેઓને કહેવું, “આ હોમયજ્ઞ જે તમારે યહોવાહને ચઢાવવો. પ્રતિદિન તમારે એક વર્ષના ખોડખાંપણ વગરના નર હલવાનોનું દહનીયાર્પણ કરવું.
- 4 એક હલવાન તમારે સવારે ચઢાવવું અને બીજું હલવાન સાંજે ચઢાવવું.
- 5 ખાદ્યાર્પણને સારુ એક દશાંશ એફાહ મેંદો, પા હિન કૂટીને કાઢેલો તેલથી મોહેલો.
- 6 તે રોજનું દહનીયાર્પણ છે જે યહોવાહની આજ્ઞા પ્રમાણે સુવાસને સારુ યહોવાહના હોમયજ્ઞ તરીકે સિનાઈ પર્વતમાં ઠરાવાયો હતો.
- 7 પેયાર્પણ એક હલવાનને સારુ પા હિન દ્રાક્ષારસનું હોય. તમે યહોવાહને માટે પવિત્રસ્થાનમાં મધનું પેયાર્પણ રેડો.
- 8 બીજુ હલવાન તમે સાંજે ચઢાવો, સવારના ખાદ્યાર્પણની માફક અને સાંજના પેયાર્પણની માફક તમે તે ચઢાવો. આ સુવાસિત હોમયજ્ઞ યહોવાહને માટે છે.
- 9 “વિશ્રામવારને દિવસે તમારે ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના બે હલવાન ચઢાવવા, ખાદ્યાર્પણ તરીકે બે દશાંશ એફાહ મેંદાનો લોટ તેલમાં મોહેલો અને તેનું પેયાર્પણ ચઢાવવું.
- 10 દરેક વિશ્રામવારનું દહનીયાપર્ણ અને રોજનું દહનીયાર્પણ અને પેયાર્પણ ઉપરાંત એ છે.
- 11 દરેક મહિનાના પ્રથમ દિવસે તમે યહોવાહને દહનીયાર્પણ ચઢાવો. તમે ખોડખાંપણ વગરના બે વાછરડો, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના સાત નર હલવાન ચઢાવો.
- 12 પ્રત્યેક બળદને સારુ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ ખાદ્યાર્પણ તરીકે અને એક ઘેટાંને સારુ બે દશાંશ એફાહ મેદાનો લોટ તેલથી મોહેલો ખાદ્યાર્પણ તરીકે ચઢાવો.
- 13 અને પ્રત્યેક હલવાન માટે તેલમાં મોહેલો એક દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો. આ દહનીયાર્પણ યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ છે.
- 14 તેઓનાં પેયાર્પણ દરેક વાછરડા સાથે અડધો હિન, ઘેટાંની સાથે તૃતીયાંશ હિન અને હલવાન સાથે પા હિન દ્રાક્ષારસ હોય. વર્ષના પ્રત્યેક મહિનામાંના પ્રથમ દિવસનું આ દહનીયાર્પણ છે.
- 15 એક બકરો પાપાર્થાર્પણ તરીકે તમારે યહોવાહને ચઢાવવો. રોજના દહનીયાર્પણ અને તે સાથેના પેયાર્પણ ઉપરાંતનું આ અર્પણ છે.
- 16 પહેલા મહિનાને ચૌદમા દિવસે યહોવાહનું પાસ્ખાપર્વ છે.
- 17 આ મહિનાને પંદરમે દિવસે પર્વ રાખવું. સાત દિવસ સુધી બેખમીરી રોટલી ખાવી.
- 18 પ્રથમ દિવસે યહોવાહની સમક્ષ પવિત્ર સભા રાખવી. તે દિવસે રોજનું કામ કરવું નહિ.
- 19 પણ તમારે યહોવાહને દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ ચઢાવવું. તમે બે વાછરડા, એક ઘેટાં અને એક વર્ષની ઉંમરના ખોડખાંપણ વગરના સાત હલવાનો ચઢાવ.
- 20 બળદની સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો.
- 21 સાત હલવાનોમાંના દરેક હલવાન સાથે એક દશાંશ એફાહ મેંદાનો લોટ તેલથી મોહેલો તમારે ચઢાવવો.
- 22 તમારા પોતાના માટે પ્રાયશ્ચિત કરવા સારુ પાપાર્થાર્પણ તરીકે તમે એક બકરાનું અર્પણ કરો.
- 23 સવારનું દહનીયાર્પણ કે જે નિયમિત દહનીયાર્પણ છે તે ઉપરાંત આ અર્પણો ચઢાવો.
- 24 સાત દિવસ સુધી દરરોજ યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞનું અન્ન તમે ચઢાવો. રોજના દહનીયાર્પણ તથા પેયાર્પણ તરીકે તે ચઢાવવામાં આવે.
- 25 સાતમા દિવસે યહોવાહના આદરમાં પવિત્રસભા કરવી અને તે દિવસે રોજનું કામ કરવું નહિ.
- 26 પ્રથમ ફળના દિવસે, એટલે જયારે અઠવાડિયાનાં પર્વમાં તમે યહોવાહને નવું ખાદ્યાર્પણ ચઢાવો, ત્યારે પ્રથમ દિવસે, તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી, તે દિવસે તમારે રોજનું કામ કરવું નહિ.
- 27 તમે યહોવાહને સુવાસને સારુ દહનીયાર્પણ ચઢાવો. એટલે તમારે બે વાછરડા, એક ઘેટાં તથા એક વર્ષના સાત નર હલવાનો ચઢાવવાં.
- 28 તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાના ત્રણ દશાંશ એફાહ દરેક બળદને સારુ, બે દશાંશ ઘેટાંને સારુ ચઢાવો.
- 29 તેલથી મોહેલો એક દશાંશ એફાહ મેંદો સાત હલવાનોમાંના દરેકને ચઢાવવો.
- 30 તમારા પોતાના પ્રાયશ્ચિતને માટે એક બકરો અર્પણ કરવો.
- 31 રોજના દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત તમારે બલિદાન માટે ખામી વગરના પશુઓ ચઢાવવાં.